વડગામ,તા.૪ 

શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.વી. આહીર તેમજ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો.દરમિયાનમાં કાંકરેજ તાલુકાનાં ઉંબરી ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમાઇ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. રેડ દરમિયાન નવ જુગારીઓને રંગેહાથે ઝડપી લીધા હતા. રોકડ રકમ તેમજ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા ૪૨૬૪૦ના મુદ્દામાલ કબજે કરીને જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.હવે શ્રાવણિયો જુગાર રમતા શકુનીયો માટે પોલીસ દ્વારા લાલ આંખ કરાતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જ્યારથી શિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઇ તરીકે એસ.વી.આહીર આવ્યાં ત્યારથી બુટલેગરો કે જુગારીઓ જેવાં ગુનેગારો માં ફફડાટ ફેલાયો છે. અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે બનાસકાંઠા જિલ્લામાં ઠેર ઠેર શ્રાવણીયો જુગાર રમાતો હોવાની બુમરાડ લોકોમાં થઈ રહી છે. શિહોરી પોલીસની જેમ અન્ય પોલીસ પણ એલર્ટ બનીને ઓચિંતી તપાસ હાથ ધરે તો જિલ્લાના અનેક તાલુકા મથકો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણીયો જુગાર રમતા શકુનીઓ ઝડપાય તેવી ચર્ચાઓ આમ જનતામાં થઇ રહી છે.