દાહોદ : દાહોદ તાલુકાના નાનીડોકી ગામે રવિવારે સવારે બનેલી ગોઝારી દર્દનાક ઘટનામાં પ્રસૂતિ કરાવી રિક્ષામાં પરત ઘરે જઈ રહેલી ચોસાલા ગામની પ્રસૂતા વાળી રીક્ષાના ચાલકની ગફલતને કારણે રોડની સાઈડમાં આવેલ તળાવના ૨૦ ફૂટ ઊંડા કોતરમાં ખાબકતાં રીક્ષામાં બેઠેલ પ્રસૂતા સહિત ત્રણ મહિલાઓને ઓછી વતા ઇજાઓ થયાનું તથા રીક્ષામાં બેઠેલ ૧૦ કલાકના નવજાત શિશુ અને બે બાળકીઓ મળી ત્રણનું સ્થળ પર જ મોત નીપજ્યા હતાં. 

દાહોદ તાલુકાના ચોસાલા ગામની ૨૫ વર્ષીય રંગીબેન દલુભાઈ માવિને ગત રાતે પ્રસવ પીડા ઉપડતાં તેને દાહોદ તાલુકાના રેંટિયા ગામના સરકારી દવાખાને પ્રસુતિ માટે લઈ જવામાં આવી હતી. જ્યાં સફળતાપૂર્વક પ્રસૂતિ થઇ હતી અને ૧૦ કલાક બાદ આજે સવારે રેંટિયા સરકારી દવાખાને થી રિક્ષામાં બેસી રંગીબેન દલુભાઈ માવી ચોસાલા ગામે પોતાના ઘરે જવા નીકળી હતી તેની સાથે ચોસાલા ગામની ૬૦ વર્ષીય સેતાનીબેન નરસિંગભાઈ બારીયા, વેસ્તીબેન માનસિંગભાઈ બારીયા, ચાર વર્ષીય આર્યબેન દલુભાઈ ભુરજીભાઈ માવી તથા ૫ વર્ષીય પ્રિયંકાબેન કનુભાઈ નરસિંહભાઈ બારીયા પણ હતા. કાળીગામ વાળા રસ્તેથી ચોસાલા તરફ પૂરપાટ દોડી જઈ રહી હતી. તે વખતે વધુ પડતી ઝડપના કારણે જીજે.૦૬.ઝેડ્‌ઝેડ.૯૩૧૪ ની સદર રીક્ષા રોડની સાઈડમાં આવેલ તળાવના ઊંડા કોતરમાં ખાબકતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ રંગીબેન દલુભાઈ માવી, સેતાનીબેન નરસિંગભાઈ બારીયા, વેસ્તીબેન માનસિંગભાઈ બારિયા એમ ત્રણ મહિલાઓને ઓછી વત્તી ઇજાઓ થવા પામતાં આ ત્રણેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ચાર વર્ષીય આર્યબેન દલુભાઈ ભુરજીભાઈ માવી તથા ૫ વર્ષીય પ્રિયંકાબેન કનુભાઈ નરસિંહભાઈ બારીયા તથા ૧૦ કલાકની ઉંમરનો નવજાત શિશુ મળી ત્રણે કોતરના ઊંડા પાણીમાં પડતાં મરણચીસોના ચિત્કાર તથા હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી. અને આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેઓએ ૧૦૮, દાહોદ ફાયર બ્રિગેડ તથા દાહોદ તાલુકા પોલીસને જાણ કરતા ત્રણે ઘટનાસ્થળે તાબડતોબ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની મદદ થી બે બાળકી અને નવજાત શિશુને મૃત હાલતમાં પાણીમાંથી બહાર કાઢ્યા હતા. અને ત્રણેય ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે ૧૦૮ મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે મૃતક બે બાળકીઓ અને નવજાત શિશુની લાશનું પોલીસે પંચોની રૂબરૂ પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી આ સંબંધે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.