દિલ્હી-

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. દુનિયામાં સંક્રમિતોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે, તેમાંથી બે કરોડથી વધુ લોકો સ્વસ્થ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દુનિયામાં 3.02 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા છે અને 5638 લોકોના મોત થયા છે.

વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 86 લાખ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 18 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 5 લાખ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં 71 લાખ એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે.

દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 65 હજારથી વધુ મોત થયા છે.ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ મામલે બીજા નંબર પર છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે જ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.