વડોદરા : વડોદરા શહેરમાં સંખ્યાબંધ આયોજનો અને પગલાં લેવા છતાં કોરોણાની સ્થિતિ દિવસે દિવસે વધુને વધુ વિકટ બનતી જાય છે. કોરોનાના કહેરે પ્રજા-તંત્રને હચમચાવી મુક્યા છે. શહેરની સરકારી અને ખાનગી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ હોસ્પિટલોમાં બેડ ખાલી નથી જેને લઈને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીને પણ દાખલ કરવાના ફાંફા પડી રહ્યા છે. આ કારણસર આકાઓના અણઘડ આયોજનમાં નિર્દોષ પ્રજા અટવાઈ રહી છે. તંત્ર દ્વારા લેવામાં આવેલા ૫૬૩૧ સેમ્પલોમાંથી ૫૨૩૭ નેગેટિવ રહેતા ૩૯૪ પોઝિટિવ આવ્યા હતા. શહેરના ૨૯ અને ગ્રામ્યના ૧૪ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંક ૩૦ હજારને વટાવીને ૨૯૯૩૨થી ૩૯૪ વધીને ૩૦૩૨૬ સુધી પહોંચ્યો છે. શહેરમાં કોરોના પોઝિટિવ એવા એક્ટિવ ૨૬૮૦ દર્દીઓમાં ૨૪૦૧ સ્ટેબલ,૧૭૩ ઓક્સિજન પર અને ૧૦૬ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. આ દર્દીઓ પૈકી સરકારી હોસ્પિટલોમાંથી ચાર અને ખાનગી હોસ્પિટલોમાંથી ૧૫ ઉપરાંત હોમ આઇસોલેશનમાંથી ૧૯૧ મળીને કુલ ૨૧૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આ ઉપરાંત કોવિદ - ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ હોય એવા દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને ક્વોરોનટાઈન કરવામાં આવે છે. જે અંતર્ગત ૭૦૯૪ વ્યક્તિઓને હોમ કોરોનટાઇન કરાયા છે. શહેરના વિવિધ ઝોન અને ગ્રામ્ય વિસ્તારનો વિચાર કરવામાં આવે તો પૂર્વ ઝોનમાં ૪૬૧૩ કેસમાં વધુ ૬૯નો ઉમેરો થતા સંખ્યા ૪૬૮૨એ પહોંચી છે.જયારે મૃતાંક ૪૪ થયો છે. આજ પ્રમાણે પશ્ચિમ ઝોનમાં ૫૨૪૮ કેસમાં ૮૫નો ઉમેરો થતા ૫૩૩૩ દર્દી થયા છે.જયારે મૃતાંક ૪૫એ પહોંચ્યો છે. ઉત્તર ઝોનમાં ૬૦૧૮ દર્દીઓમાં વધુ ૭૬નો ઉમેરો થતા સંખ્યા ૬૦૯૪એ પહોંચી છે.જ્યાં મૃતાંક ૫૭ છે. દક્ષિણ ઝોનના ૫૬૩૮ દર્દીઓમાં વધુ ૯૧નો ઉમેરો થતા કુલ કેસ ૫૭૨૯ થયા છે.જયારે મૃતાંક ૪૯ છે. એ સિવાય વડોદરા ઋરળના ૮૩૭૯ દર્દીઓમાં વધુ ૭૩નો ઉમેરો થતા સંખ્યા ૮૪૫૨ સુધી પહોંચી છે.જયારે મૃતાંક ૬૦ છે. આ સિવાય બહારના ૩૬ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી નોંધાયેલા ૨૯૯૩૨ કુલ કેસમાં વધુ ૩૯૪નો ઉમેરો થતા સંખ્યા ૩૦૩૨૬ સુધી પહોંચી છે. જયારે મૃતાંક ૨૫૫ સુધી પહોંચ્યો છે. પાલિકાના ધન્વંતરી આરોગ્ય રથની ૩૪ ટીમોએ ૧૩૬૭ પુરુષો અને ૧૫૬૬ સ્ત્રીઓ મળીને ૨૯૩૩ દર્દીઓને તપાસ્યા હતા. જેમાં ૧૬ તાવના , ૯૩ શરદી-ખાંસીના અને અન્ય ૧૦૨૬ દર્દીઓ મળી આવ્યા હતા.જે પૈકી માત્ર એક દર્દીને રીફર કરાયો છે. આ ૩૪ ટીમ દ્વારા અત્યાર સુધીમાં ૪,૯૮,૦૯૭ પુરુષો અને ૬,૧૬,૪૩૪ સ્ત્રીઓ મળીને કુલ ૧૧,૧૬,૦૯૩ દર્દીઓને તપાસવામાં આવ્યા છે. જેમાં તાવનાંક ૫૩૦૩, શરદી-ખાંસીના ૧૯૦૩૧ અને અન્ય ૭,૯૮,૧૩૨ દર્દીઓ મળી આવ્યા હતા.જે પૈકી ૬૫૬ને રીફર કરાયા હતા. આમ શહેરમાં દિવસે દિવસે વધતા જતા કોરોનાના કેસોને લઈને તંત્રની ઊંઘ હરામ થઇ ગઈ છે. તેમ છતાં હજુ યોગ્ય આયોજન ઘડવાને માટે ઊંઘ ઊડતી નથી એમ પીડિતોમાં ચર્ચાઈ રહ્યું છે.

શહેરના ૨૯ અને ગ્રામ્યના ૧૪ વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું

વડોદરા શહેરના ૨૯ અને ગ્રામ્ય વિસ્તારના ૧૪ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે. શહેરના જે વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધ્યો છે. એમાં બાપોદ, આજવા રોડ, પાણીગેટ, કિશનવાડી, સ્વાદ, વારસીયા,ફતેપુરા, કારેલીબાગ, નવાપુરા, શિયાબાગ, સમા,એકતાનગર, છાણી, નિઝામપુરા, ગાજરાવાડી, કપુરાઇ, માંજલપુર, માણેજા, મકરપુરા, તરસાલી, અકોટા,અટલાદરા, ગોત્રી, ગોરવા,સુભાનપુરા, દિવાળીપુરા, વાસણા રોડ, રેસકોર્સ, જેતલપુરનો સમાવેશ થાય છે.જયારે ગ્રામ્યમાં જે વિસ્તારો કોરોના સંક્રમણમાં આવ્યા છે.એમાં વરણામા, ઈટોલા, રણોલી, પદમલા,પોર, સાંકરદા, પાદરા,કરજણ, ડભોઇ અર્બન, બાજવા,કરોળિયા,માડોધર, વાઘોડિયા,વલણ વગેરેનો સમાવેશ થાય છે.

ધીરજ-પારુલ હોસ્પિટલમાં કોવિડના ૧૫૦૦ બેડની વ્યવસ્થા કરાઈ

વડોદરા શહેરને અડીને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અને મેડિકલ કોલેજાે સહ હોસ્પીટલોનું વિશાળ કેમ્પસ ધરાવતી પીપળીયાની સુમનદીપ વિદ્યાપીઠ સ્થિત ધીરજ જનરલ હોસ્પિટલ અને લીમડાની પારુલ યુનિવર્સીટી ખાતે આવેલ પારુલ સેવાશ્રમ હોસ્પિટલને ડેડીકેટેડ કોવિદ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ બંને હોસ્પિટલો ખાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોના ધારાધોરણ મુજબ બેડ ઉપલબ્ધ બનશે.જેમાં ધીરજમાં એક હજાર અને પારુલમાં પાંચસો બેડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં વહીવટદાર તરીકે અધિક કલેકટર અને રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલ્ટીઝ વડોદરાના વી.એન.શાહની નિમણુંક કરાઈ છે. જયારે બરોડા મેડિકલ કોલેજના પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટના નિવૃત પ્રોફેસર અને હેડ ડો.ઉમા નાયકને એડવાઈઝર તરીકે માનદસેવાઓ પ્રદાન કરવા નિયુક્તિ કરાઈ છે.

અત્યાર સુધી ૨,૨૩,૦૨૯ નાગરિકોએ રસી મુકાવી

 જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા હાથ ધરાયેલ રસીકરણ ઝુંબેશ હેઠળ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી હેલ્થ કોરોના વોરિયર, ફ્રન્ટ લાઈન વોરિયર, ૪૫ થી ૫૯ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨,૨૩,૦૨૯ નાગરિકોએ રસી લઇ કોરોના સામે આરોગ્ય સુરક્ષા કવચ મેળવ્યું છે. વડોદરા જિલ્લામાં આજે ૧૨૫૩૫ નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હોવાનું કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું છે.

પાયોનિયર હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

વડોદરા શહેરના આજવા રોડ ખાતે આવેલ ન્યુ લાઈફ પાયોનિયર હોસ્પિટલને ડેડીકેટેડ કોવિદ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી છે. આ હોસ્પિટલ ખાતે ૫૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાના આયુર્વેદ અધિકારી ડો.સુધીર જાેશીને આ હોસ્પિટલ ખાતે વહીવટદાર તરીકે મુકાયા છે. જયારે ડો.મીનુ પટેલને એડવાઈઝર ટુ ઓએસડી તરીકે માનદસેવાઓ પ્રદાન કરવાને માટે નિયુક્ત કરાયા છે. આ બાબતની જાણ પાલિકાના કમિશનર અને જિલ્લા કલેકટર ઉપરાંત જિલ્લા આયોજન અધિકારીને કરાઈ છે.

સયાજી હોસ્પિટલમાં બરોડા ડેરીના સહયોગથી છાશ વિતરણ કરાયું

 સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર વિભાગની બહાર દાખલ દર્દીઓના સ્વજનો મોટી સંખ્યામાં ભેગા થાય છે.હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે આ લોકો શાંતિથી બેસીને રાહ જાેઈ શકે અને આકરા તાપ સામે તેમને રક્ષણ આપવા વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. દ્વારા શેડ બંધાવવા સહિત વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.તેમના માટે ખુરશીઓ અને

પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં આજે બરોડા ડેરીના સહયોગથી છાશ વિતરણ કરવામાં આવ્યું હતું.દર્દીઓ સાથે વાત કરવાનો લાભ ૧૧૦થી વધુ સગાઓએ લીધો છે.

કોરોનાને લઈને કારેલીબાગની સુફીસંતની દરગાહનો સંદલ તથા ઉર્સ મોકૂફ રખાયો

શહેરના કારેલીબાગ વિસ્તારમાં મેન્ટલ હોસ્પિટલ સામે આવેલ સૂફસંત પીર બડે હજરતશાહ દાદા (વલી અલ્લાહ) સૂફીસંતની દરગાહ આવેલી છે. પ્રતિવર્ષની જેમ આ વરસે પણ તા.૭થી ૯ એપ્રિલના રોજ દરગાહ શરફીનું સંદલ તથા ઉર્સ નિમિત્તે પ્રોગ્રામ દરગાહ પર હાલના ગાદી નશીમ હજરત સૈયદ સમર અલી જાગીરદાર બાપુની નિગરાની હેઠળ રાખવામાં આવ્યો હતો, પરંતુ હાલની કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી આ વરસે દરગાહ શરીફના તમામ ધાર્મિક કાર્યક્રમો અને ઉસ્ર્નો પ્રોગ્રામ રદ કરવામાં આવ્યો છે.

રેલવે સ્ટેશને કોવિડ કેન્દ્ર શોભાના ગાંઠિયા બરાબર બની રહ્યા

કોરોણાની વધતી મહામારીને લઈને વડોદરા શહેરમાં બહારથી ટ્રેન મારફતે આવતા અને જતા મુસાફરોને માટે કોરોણાની ચકાસણી કરવાને માટે મોટા ઉપાડે વડોદરા રેલવે ખાતે વડોદરા મહાનગર પાલિકા દ્વારા કોવિદ કેન્દ્રના તંબુ તણાયા હતા. પરંતુ આ કોવિદ કેન્દ્રમાં આજદીન સુધી પાલિકા દ્વારા એકપણ કર્મચારીની નિમણુંક ન કરાતા આ કોવિદ કેન્દ્ર શોભાના ગાઠીયા બરાબર સાબિત થઈને રહ્યું છે.

શહેરના ૧૧ સ્થળોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે, લાલબાગમાં કોવિડ કેર સેન્ટર

શહેરના વિવિધ ૧૧ સ્થળો પર રેપિડ એન્ટિજન ટેસ્ટસેન્ટર શરુ કરાશે. જયારે શહેરના લાલબાગ અતિથિ ગૃહ ખાતે કોવિદ કેર સેન્ટર બનાવવામાં આવશે. વડોદરા શહેરના તમામ પ્રવેશ સ્થળો જેવાકે એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન નજીક કોરોના ટેસ્ટિંગ સેન્ટરો શરુ કરાશે. શહેરની પ્રત્યેક વિધાનસભા દીઠ બે અને રેલવે સ્ટેશન ખાતે એક એક મળીને કુલ ૧૧ સ્થળોએ રેપિડ એન્ટિજન ટેસ્ટ શરુ કરાશે. જે સ્થળોમાં તુલસીધામ ચાર રસ્તા ખાતે સવારે ૯/૩૦ કલાકે નર્મદા મંત્રી યોગેશ પટેલ મુલાકાત લેશે. આ ઉપરાંત છાણી જકાતનાકા જલારામ મંદિર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ, એરપોર્ટ ચાર રસ્તા ખાતે મનીષા વકીલ, ઉમા ચાર રસ્તા ડો.હિતેન્દ્ર પટેલ, ગોત્રી યશ કોમ્પ્લેક્ષ જીતુ સુખડીયા, અક્ષર ચોક સીમા મોહિલે, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નંદાબેન જાેષી, ન્યાયમંદિર ડો.હિતેન્દ્ર પટેલ, મુક્તાનંદ ચિરાગ બારોટ, તરસાલી શાક માર્કેટ અલ્પેશ લીંબાચીયા અને રેલવે સ્ટેશન ડો.વિજય શાહ હાજર રહેશે.