વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં કુદકેને ભૂસકે વધારો થઇ રહ્યો છે. જેને કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉપરાંત જાહેર સ્થળોમાં કોરોનાના દર્દીઓને દાખલ કરીને સારવાર આપવાને માટે હજારો બેડોની વ્યવસ્થાઓ કરવા છતાં બેડો ઓછા પડતા અત્યંત કરૂણ સ્થિતિ સર્જાવા પામી છે. કાળમુખી કોરોનાની સર્જાયેલી આવી ભયાનક સ્થિતિમાં સરકારી -ખાનગી હોસ્પિટલોમાં બેડો હાઉસફુલ થતા સંક્રમિત દર્દીઓ માર્ગમાં દમ તોડવા લાગ્યા છે. તેમ છતાં આવી સ્થિતિને માટે જવાબદાર તંત્રના અને શાસકોના પેટનું પાણીયે હાલતું નથી. જેને લઈને સ્વજનોનું આક્રંદ અને તેઓની કાકલૂદીઓ હવામાં ઓગળી રહી છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૫૩ પોઝીટીવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૭૪ છે.જે આંક મોડી સાંજે ૮૫ને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર ત્રણના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૩૬૧૬ દર્દીઓમાં આજના ૪૫૩ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૪૦૬૯ સુધી પહોંચ્યો છે. જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૨૮ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૮ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૬૨૩૭ સેમ્પલોમાંથી ૫૭૮૪ નેગેટિવ અને ૪૫૩ પોઝિટિવ આવ્યા છે. જયારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૭૨ મૃતાંકમા વધુ ત્રણનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૭૫ સુધી પહોંચી છે. હાલમાં કુલ ૪૩૭૨ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૪૦૫૭ સ્ટેબલ,૧૮૯ ઓક્સિજન ઉપર અને ૧૨૬ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૧૮ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૨૧ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૨૦૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૨૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

૫ૂર્વ ધારાસભ્યના પત્ની બાદ પુત્રનું પણ કોરોનાથી મોત ઃ નાયબ મામલતદારનું પણ કોરોનાથી મોત

વડોદરા ઃ સાવલીના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના પુત્ર ચંદ્રજિત ચૌહાણનું કોરોનાથી મૃત્યુ થયું છે. ચંદ્રજિતને પીપળિયા સ્થિત ધીરજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણની પત્નીનું બે દિવસે પહેલાં જ અવસાન થયું હતું અને બે દિવસ બાદ એકમાત્ર પુત્રનું કરુણ મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. હાલ ખુમાનસિંહ ચૌહાણ પણ કોરોનાગ્રસ્ત છે.જ્યારે કલેકટર કચેરીના પુરવઠા વિભાગ ઝોનલ-૪ના નાયબ મામલતદાર તુષાર શાહનું પણ કોરોનાની સારવાર દરમિયાન મોત થતાં કર્મચારીગણમાં ભારે શોક અને ગભરાટનો માહોલ છવાયો છે.

કોવિડ સેન્ટરમાં દર્દીઓને નાસ્તો આપવા સ્વજનોની લાંબી લાઇનો લાગી

મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ અને ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના કુટુંબીજનો વહેલી સવારથી જ પોતાના પરિવારના સભ્યને ઘરનો ચા, કોફી, નાસ્તો સહિત વિવિધ ચીજવસ્તુઓ પહોંચાડવા માટે આવી પહોંચ્યા હતા. ચા-નાસ્તો આપવા માટે પણ દર્દીના સંબંધીઓની લાંબી કતારો લાગી હતી. સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા પિતાને ચા-નાસ્તો આપવા માટે આવેલા રાકેશ કામળેએ જણાવ્યું હતું કે ૧૦ દિવસથી મારા પિતા કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહ્યા છે. સારવાર લઈ રહેલા પિતાની તબિયત કેવી છે એ અંગે ચોક્કસ ખબર નથી, પરંતુ ફોન પર થતી વાતચીત મુજબ તેમની તબિયત સુધારા પર હોવાનું જણાઈ રહ્યું છે. હવે મારા પિતા કોરાનામુક્ત થઇને વહેલીતકે ઘરે આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું.

મધ્યસ્થ જેલના ૧૨ કેદીઓ કોરોના સંક્રમિત બન્યા

શહેરમાં કોરોનાનો કહેર યથાવત્‌ છે. દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધી રહ્યો છે. વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ પણ કોરોનામાં સપડાયા છે. ૧૨ કેદીઓ કોરોના સંક્રમિત થતાં તાજેતરમાં જ ઊભા કરાયેલા લાલબાગ અતિથિગૃહ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કોવિડ સેન્ટર બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે વડોદરામાં નાયબ મુખ્યમંત્રીની મુલાકાત બાદ તરત જ શહેરના ચાર અતિથિગૃહ પૈકી પ્રથમ લાલબાગ અતિથિગૃહમાં કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું. હાલમાં કુલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં ૧૨ જેલના કેદીઓનો પણ સમાવેશ થાય છે, જ્યારે અન્ય એક દર્દી સાજાે થઈ જતાં રજા આપી દેવામાં આવી હતી.ગત વર્ષે પણ કોરોના મહામારીમાં જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ કોરોનામાં સપડાયા હતા. જેમને પણ લાલબાગ ખાતેના કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.

સયાજી અને ગોત્રી હોસ્પિટલોને ૧૩ એમ્બ્યુલન્સની સેવાઓ મળી

તંત્ર દ્વારા કોવિડ સારવારની સુવિધાઓના મજબૂતીકરણના વિવિધ પ્રયાસો કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ દ્વારા કોરોના દર્દીઓને લાવવા - લઇ જવા માટે ૧૩ જેટલી એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામા આવી છે. આ પૈકી ૭ સયાજી હોસ્પિટલને અને ૬ ગોત્રી હોસ્પિટલને ફાળવવામાં આવી છે.