સુરત-

શહેરમાંથી ફેસબુક પર લોભામણી જાહેરાત મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ સાથે છેતરપિંડી કરતા ત્રણ ઈસમોને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જેમાં લોભામણી જાહેરાતો મૂકી બજાજ ફાઇનાન્સના કસ્ટમર્સ પાસેથી ઈએમઆઈ કાર્ડનો નંબર અને ઓટીપી મેળવી ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. સુરત સાયબર ક્રાઈમમાં ૧૭ માર્ચથી ૨૨ જૂન દરમિયાન ૮ નંબર પરથી ફોન કરી છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. આ આઠ નંબરનો ઉપયોગ કરી આરોપીઓ પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફેસબુક પર બજાજ ફાઈનાન્સ કંપનીના ઈએમઆઈ કાર્ડ ઉપર પર્સનલ લોન આપવાની લોભમણી જાહેરાત મૂકતા હતા. બજાજ ફાઈનાન્સના કુલ ૭ કસ્ટમરોને પર્સનલ લોન આપવાનો વિશ્વાસ આપી તેમની પાસેથી ઈએમઆઈ કાર્ડનો નંબર અને ઓપીટી મેળવી તેમના કાર્ડ પરથી એમેઝોન અને ફ્લીપકાર્ડમાંથી કુલ ૨.૪૬ લાખની ઓનલાઈન ખરીદી કરી છેતરપિંડી આચરી હતી. જે અંગે ફરિયાદ નોંધી હતી.

પોલીસ ટેકનિકલ સર્વેલન્સ આધારે આરોપી બબાભાઈ ઉર્ફે બાબા હજાભાઈ ચૌધરી(ઉ.વ.૨૪, રહે. કતારગામ), મહેશ વલ્લભભાઈ આસોદરીયા અને દિપક ઉર્ફે દિપ ગોકુલભાી ડોબરીયા(ઉ.વ.૨૪, લસકાણા)ને શોધી કાઢ્યા હતા. તેમની પૂછપરછમાં બજાજ ફાઈનાન્સના કસ્ટમર્સને ફેસબૂક લોભામણી જાહેરાત આપી છેતરપિંડી આચરતા હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદના સાત કસ્ટમર્સ સિવાય અન્ય સાથે પણ છેતરપિંડી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.