વડોદરા : કોરોનાના વધતા જતા પોઝિટિવ કેસોને અટકાવવા આરોગ્ય વિભાગ ખડેપગે દર્દીઓની સારવાર અને નિદાન માટે કામગીરી કરી રહ્યું છે. ત્યારે પોલીસતંત્ર પણ રાત્રિ કરફયૂનો કડક અમલ કરાવવા માટે પ્રયત્નોમાં લાગ્યું છે. તેમ છતાં ગુરુવારની રાત્રે કરફયૂના જાહેરનામાના ભંગ બદલ શહેરભરના પોલીસમથકોમાં ૨૮ ગુનાઓ નોંધી ૨૯ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ ઉપરાંત રાત્રિ કરફયૂના અમલ દરમિયાન માત્ર આવશ્યક અને સત્તાવાર પરવાનગી ધરાવનારાઓ જ બહાર નીકળી શકતા હોવા છતાં યોગ્ય કારણ વગર બહાર વાહન લઈને કે ચાલતા બહાર નીકળેલા ૨૯ લોકોને ઝડપી પાડી ફરફયૂના જાહેરનામાના ભંગ બદલ ૨૮ ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોમાં નોંધાયા હતા. આ બધા આરોપીઓને ફરજિયાતપણે રાતભર લોકઅપમાં રાખવાનો ઉચ્ચ અધિકારીઓએ આદેશ કર્યો છે.

એકતરફ પાલિકા અને પોલીસ તંત્ર મળીને શહેરની અનેક દુકાનો, મૉલ અને ગીચ વિસ્તારોની દુકાનો અને બજારો સોશિયલ ડિસ્ટન્સીન્ગનો અભાવ થવાને કારણે બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

માસ્ક ન પહેરનાર ૧૪૨૨ પાસે ૧૪.૨૨ લાખનો દંડ

શહેરમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને પોલીસ તેમજ પાલિકા ખડેપગે કામગીરી કરી રહી છે. ત્યારે, કોરોનાની ગંભીરતા સમજ્યા વગર જાહેરમાં માસ્ક વગર ફરી રહેલા લોકોને પકડવા માટે શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં ગીચ વિસ્તારો તેમજ લોકોની અવરજવરથી ભરપૂર રહેતા સ્પોટ પર પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરમાંથી અધધ ૧૪૨૨ લોકો માસ્ક વગર ફરતા મળી આવ્યા હતા. જેઓની પાસેથી પોલીસે ૧૪.૨૨ લાખ રૂપિયાનો દંડ વસુલ્યો હતો. આ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોકોને માસ્ક ફરજીયાત પહેરવા અને જાહેરમાં ફરતી વખતે સોશિયલ ડિસ્ટન્સીન્ગના નિયમોનું પાલન કરવામાં આવે તેવી અપીલ કરી હતી.