થરાદ,તા.૩ 

જીએસટી ટીમ શનિવારે મોડી સાંજે થરાદ-સાંચોર હાઇવે પર બુઢણપુર નજીક વાહન ચેકીંગ કરી રહી હતી. દરમ્યાનમાં જીપડાલામાંથી ૩૦૬ કિલોગ્રામ ગાંજો ઝડપી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે રૂ.૩૦.૬૩ લાખના ગાંજાનો જથ્થો સહીત જીપડાલુ કબજે કરી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. થરાદ ચાર રસ્તા પર શનિવારે મોડી સાંજે રાજ્ય વેરા અધિકારી જીએસટી ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાનમાં એક જીપડાલાને રોકાવાનો ઇશારો કરતાં ચાલકે જીપડાલું સાંચોર હાઇવે તરફ ભગાડી મુકતા ટીમે ડાલાનો પીછો કરતાં જીપડાલાનો ચાલક બુઢનપૂર નજીક જીપડાલું મૂકી ફરાર થઇ ગયો હતો. જેથી ટીમે ડાલામાં તપાસ કરી તો વનસ્પતિ જેવાં ભરેલાં પ્લાસ્ટિકના સાત કટ્ટા તેમજ એક અડધું કુલ આઠ કટ્ટા સિલાઇ કરેલી હાલતમા મળી આવ્યા હતા .જેની પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ સ્થળ પર પહોંચી સીલબંધ કટ્ટા ચેક કરતાં અર્ધ લીલો દાણાવાળો ગાંજો હોવાનું જાણવા મળતા પાટણ એફએસએલનો સંપર્ક કરી કટ્ટાના લેબોરેટરી માટે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. ગાંજાનું વજન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે જપ્ત કરવામાં આવેલા પીકઅપ જીપડાલા નંબર જીજે-૩૭-ટી-૧૨૯૦ને પોલીસ મથકે લાવી ગાંજાનો ૩૦૬.૩૬ કિલોગ્રામ જથ્થો કિંમત રૂા.૩૦,૬૩,૬૦૦ સહીત રૂ.૩,૦૦,૦૦૦નું પીકઅપ મળી કુલ રૂ.૩૩,૬૩,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી ફરાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.