બનાસકાંઠા : બનાસકાંઠામાં દાડમની ખેતી છેલ્લા ૫ વર્ષથી આફતમાં છે. લાખણી તાલુકામાં હેક્ટર દીઠ ૨૦ ટન દાડમ થતાં હતા તે આ વર્ષે માંડ ૪ ટન દાડમ પાકે તેવી શક્યતા છે. વધુ વરસાદ અને ભેજના કારણે ફૂલ અને ફળ ખરી ગયા છે. જેથી જિલ્લમાં માંડ ૬૦ ટકા પાક નાશ પામ્યો છે.કંટાળેલા ખેડૂતો હવે ખેતરમાંથી દાડમના છોડ ઉખાડી રહ્યા છે .બનાસકાંઠા જિલ્લામાં લાખણી તાલુકો એ દાડમની ખેતી માટે જાણીતો છે આમ તો આ રણ વિસ્તારને અડીને આવેલો જિલ્લો છે. પરંતુ પાણીની અછતવાળા વિસ્તારમાં પણ અહીંના વિકલાંગ એવા ગેનાજી પટેલે દાડમની ખેતીનો સફળ પ્રયોગ કર્યો, તેમને દાડમની ખેતીમાં કાઠું કાઢયા બાદ આજુબાજુના ખેડૂતો પણ દાડમની ખેતી તરફ વળ્યા. આજે બનાસકાંઠા જિલ્લામાં ૬,૮૦૦ હેક્ટરમાં દાડમના બગીચા છે. જેમાં ૧.૦૮ લાખ ટનથી ૧.૧૨ લાખ ટન ઉત્પાદન થતું હતું. હવે તે ૪૦-૫૦ હજાર ટન દાડમ પાકશે. ૨૦૧૫, ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૦ એમ છેલ્લા ૫ વર્ષથી દાડમની ખેતી બરબાદ થઈ રહી છે. ગુજરાત સરકાર બાગાયતી પાકને પૂરતું વળતર આપતી નથી. જેના કારણે અહીંના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગેનાજી પટેલને દાડમની ખેતી કરવાનો વિચાર ૨૦૦૪માં મહારાષ્ટ્રની દાડમની ખેતી જોઇ આવ્યો હતો. તેમણે વતન આવી સરકારી ગોળિયામાં દાડમની ખેતી કરવાનો ર્નિણય લીધો હતો. મહારાષ્ટ્રમાંથી દાડમના રોપા લાવ્યા અને બંજર જમીનમાં ખેતીમાં સફળતા મેળવી હતી. ૧૫ વર્ષ પહેલાં દાડમની ખેતી મોંઘી હતી, ખેડૂતો વિચારી શકતા ન હતા કે, દાડમમાંથી મોટી આવક પણ મેળવી શકાય છે અને આખા ગુજરાતને અડધા ભાવે દાડમ ખવડાવી શકાય.બનાસકાંઠાના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના ખેડૂત ગેનાભાઈ દરઘાભાઈ પટેલ બન્ને પગે પોલીયો થઈ જતાં અપંગ છે. છાણ અને ચીકણી માટીથી ગેનાભાઈનું ઘર લીંપાયેલું અને દાડમથી ઘેરાયેલું છે. ઘરની ઓસરીમાં તેમની સફળતાની સાક્ષી પુરતી તસવીરો લાગેલી છે. અપંગ હોવા છતાં તેઓ જાતે ટ્રેક્ટર અને કાર ચલાવે છે.તેઓ એવું માને છે કે, ધારો તો બધું જ કામ થઈ શકે. ૧૫ વર્ષમાં ગેનાભાઈની પ્રેરણાથી ગુજરાત અને રાજસ્થાનમાં ૫૦ હજાર ખેડૂતોને ૪૦ હજાર હેક્ટરમાં ૪ કરોડ દાડમના વૃક્ષો ઉગાડવાની પ્રેરણા તેમણે આપી છે.