વડોદરા : કોરોનાનો પુનઃ વિસ્ફોટ થતાં સર્જાયેલી પરિસ્થિતિના પગલે રાજ્ય સરકારે મહાનગરોમાં રાત્રિ કરફયૂના આદેશો આપવા પડયા છે ત્યારે શનિવાર રાતથી શરૂ થયેલા રાત્રિ કરફયૂ દરમિયાન જાહેરનામા ભંગના ૨૬ જેટલા ગુના નોંધી પોલીસે ૩૦ લોકોની અટકાયત કરી હતી. ૯ વાગ્યા પહેલાં જ પોલીસની ટીમો માર્ગો ઉપર ઉતરી પડી હતી અને બેરિકેટ લગાવી કરફયૂના અમલની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.રાજ્ય સરકાર દ્વારા રાત્રે ૯થી સવારના ૬ વાગ્યા સુધીનો સમય રાત્રિ કરફયૂ તરીકે જાહેર કરાયો હતો, જેના ભાગરૂપે શનિવારે રાત્રે શહેર બંધ રહ્યું હતું. જાે કે, કેટલાક લોકોએ એની ગંભીરતા નહીં સમજી બહાર નીકળ્યા હતા. જેમને પોલીસે અટકાવી પૂછપરછ કરતાં કામ વગર નીકળેલા ૩૦ જેટલા લોકોની અટકાયત કરી ૨૬ જેટલા ગુનાઓ જુદા જુદા પોલીસ મથકોએ નોંધાયા હતા. મહત્ત્વની વાત તો એ છે કે વાડી પોલીસ મથક વિસ્તારમાં કરફયૂના ભંગ દરમિયાન ઝડપાયેલો યુવક દારૂ પીધેલો હોવાથી એની ઉપર એ અંગેનો પણ ગુનો નોંધાયો હતો. જ્યારે ગોત્રી પોલીસ મથક હેઠળ વિસ્તારમાં રાત્રે બાઈક લઈ ફરવા નીકળેલા બે યુવકો ધાર્મિક દિલીપસિંહ સોલંકી અને કુલદીપ ગોહિલે તો માસ્ક પણ નહીં પહેર્યું હોવાથી પોલીસે બંનેની અટકાયત કરી દંડ વસૂલ કર્યો હતો. 

શહેરમાં શનિવારે રાત્રે સમગ્ર શહેરના મહત્ત્વના માર્ગો ઉપર બેરિકેટ મુકી ચેકિંગ શરૂ કરાયું હતું. કરફયૂની શરૂઆતમાં પોલીસે કૂણું વલણ દાખવી કામ વિના ઘરેથી નીકળેલા લોકોને સમજાવી પરત ઘરે મોકલ્યા હતા. તેમ છતાં મોડી રાત સુધી એકલદોકલ લોકોએ બહાર નીકળવાનું ચાલુ રાખતાં પોલીસે ગુનો નોંધ્યા હતા. બાપોદ પોલીસ મથકે નોંધાયેલા કરફયૂના ભંગ અને જાહેરનામાના ભંગના ગુનાઓમાં પ્રકાશ દીપારામ બામણિયા તેમજ શિવમ ઉર્ફે કબીર દીપકકુમાર કોલીની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે વાડી પોલીસ મથક વિસ્તારમાં ચેકિંગ દરમિયાન મનોજ પ્રતાપભાઈ ધોગાણી નામનો ઈસમ દારૂ પીધેલી હાલતમાં મળી આવતાં એની સામે નશાબંધી હેઠળનો ગુનો પણ નોંધાયો હતો. ભેસવાડા માંડવી ખાતે રહેતો ફરદીન ફિરોજખાન પઠાણ મોડી રાત્રે મોટરસાઈકલ લઈને નીકળતાં પોલીસે જાહેરનામાના ભંગ બદલ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કારેલીબાગ છાણી, મકરપુરા, માંજલપુર, લક્ષ્મીપુરા, ગોરવા, સમા પોલીસ સ્ટેશન ખાતે પણ જાહેરનામાના ભંગના ગુનાઓ દાખલ કરી કરફયૂમાં ફરતા લોકોની અટકાયત કરવામાં આવી હતી. શહેરના મંગળ બજાર, નવા બજાર, રાવપુરા, દાંડિયાબજાર, એમ.જી. રોડ, રાત્રિ બજાર સહિતના રસ્તાઓ રાત્રિ દરમિયામ સૂમસામ ભાસતા હતા અને પોલીસે સતત પેટ્રોલિંગ કરી કરફયૂનો ચુસ્તપણે અમલ કર્યો હતો.

પોલીસે બે દિવસમાં માસ્ક નહીં પહેરનાર ૧૦૦૦ લોકો પાસે રૂા.૧૦ લાખનો દંડ વસૂલ્યોે

જીવલેણ કોરોનાએ પુનઃ માથું ઊંચકતાં કહેર મચાવ્યો છે તેમ છતાં કેટલાક લોકો એને ગંભીરતાથી લેતા નથી. માસ્ક વગર બહાર નીકળી પોતે, પરિવારની અને અન્યમાટે જાનનો ખતરો ઊભો કરતા આવા લોકો પાસે પોલીસે એક હજાર રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે. દિવાળીના તહેવારોમાં તો કોરોનાને જાણે ભૂલાયો હોય એમ બિન્દાસ્ત રીતે લોકો ફરતા થયા હતા. પોલીસ. હાથ ધરેલી ખાસ ઝુંબેશમાં છેલ્લા બે દિવસ દરમિયાન માસ્ક વિના ફરતા એક હજાર ઉપરાંત વાહનચાલકો પાસેથી રૂા.૧૦ લાખથી વધુ રકમનો દંડ પોલીસે વસૂલ્યો હતો. કોરોના જાણે ખતમ થઈ ગયો હોય એમ દિવાળીના સમયે લોકો મોટી મોટી ભીડ જમાવતા હતા અન સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરીને કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હોવાનું માનવામાં આવે છે. ત્યારે રાજકીય કાર્યક્રમો અને ચૂંટણીઓ પણ જવાબદાર હોવાનું કહેવાય છે. કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા માટે સરકારી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર નીકળનારાઓ માટે અગાઉ ર૦૦ રૂપિયા દંડ કરાતો હતો. પરિણામે લોકોએ ગંભીરતાથી નહીં લેતાં દંડની રકમ સીધી જ રૂા.૧૦૦૦ કરી દેવાઈ હતી. તેમ છતાં શહેરીજનો હજુ સુધી પૂરેપૂરું પાલન કરતા નથી. શહેરીજનો ઘરેથી બહાર નીકળતાં સમયે ફરજિયાત માસ્ક પહેરવાની અસંખ્ય અને વારંવારની સૂચનાઓ અને તાકીદ કરવામાં આવી હોવા છતાં એનો પૂરતો અમલ થતો નથી. શહેર પોલીસ દ્વારા આ માટે એક બેઠક યોજી ખાસ ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરાયું હતું. જેમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવી સઘન ચેકિંગ હાથ ધરવાની સૂચના આપવામાં આવી હતી અને કોઈની પણ શેહશરમ રાખ્યા વિના માસ્ક વગરના લોકો પાસેથી રૂા.૧૦૦૦ દંડ વસૂલવા તાકીદ કરવામાં આવી હતી. શહેર પોલીસ વિભાગની આ ઝુંબેશમાં છેલ્લા બે દિવસમાં એક હજાર ઉપરાંત વાહનચાલકો પાસેથી રૂા.૧૦ લાખથી વધુની રકમ જેટલો દંડ વસૂલાયો હતો. આગામી દિવસોમાં પણ આવી ઝુંબેશ ચાલુ જ રહેશે એમ પોલીસ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.