વડોદરા

કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે. રાજ્ય અને સ્થાનિક તંત્ર કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે જેના પરિણામરૂપે કોરોના સંક્રમિતનો આંક ૧૦૦થી નીચે આવી રહ્યો છે અને કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. આજે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૮૦ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. આ સાથે કોરોનાના દર્દીઓની સંખ્યા ૨૨,૧૫૮ પર પહોંચી હતી. આજે બિનસત્તાવાર મૃત્યુઆંક ૪ પર પહોંચ્યો હતો. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ કોરોનામાં એક મોત જાહેર કરતાં મૃત્યુઆંક ર૪૦ પર પહોંચ્યો હતો.

આજે ૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા. જેમાં સરકારી હોસ્પિટલમાંથી ૮, ખાનગી હોસ્પિટલમાંથી ૨૩ અને હોમ આઈસોલેશનમાંથી ૫૦ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૨૦,૮૬૩ થઈ હતી.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે ગોરવા, નિઝામપુરા, છાણી, અમીતનગર, કારેલીબાગ, હરણી રોડ, ખોડિયારનગર, ફતેપુરા, પોલોગ્રાઉન્ડ, નવાપુરા, દંતેશ્વર, આર.વી.દેસાઈ રોડ, ફતેપુરા, રાજમહેલ રોડ, લાલબાગ, તાંદલજા અને સુભાનપુરા સહિત તેમજ ગ્રામ્યના સાવલી, ડભોઈ, પોર, કલાલી, શિનોર, બાજવા, પાદરા, જરોદ, સેવાસી સહિતના વિસ્તારોમાંથી કુલ ૩૪૭૭ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૩૯૭ નેગેટિવ અને ૮૦ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. હાલના તબક્કે શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૦૫૫ કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાં ૪૦ વેન્ટિલેટર પર, ૧૦૯ ઓક્સિજન પર અને ૯૦૬ દર્દીઓ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા કોરોના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૨૬ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૫, ઉત્તર ઝોનમાં ૧૪, પશ્ચિમ ઝોનમાં ૧૪ અને પૂર્વ ઝોનમાં ૧૧નો સમાવેશ થાય છે.