વડોદરા, તા.૧૯ 

શહેર બહારથી પસાર થયેલા હાઇ-વેના આજવા ચોકડી બ્રિજ પર ટ્રક અને જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા જીપમાં સવાર એક શખસનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઇજાઓ થઇ હતી. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઘોઘંબા તાલુકાના ખિલોડી ગામે રહેતાં જયેશ તડવી નામના વ્યક્તિએ બાપોદ પોલીસ મથકે અકસ્માત મોતની ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, નેશનલ હાઇ-વે પરના આજવા ચોકડીના બ્રિજ પર એક અજાણ્યો ટ્રક ચાલકને પુરઝડપે પસાર થઇ રહ્યો હતો એ દરમિયાન જીપને ઓેવરટેક કરવા જતા તેને જીપને ટ્રકના પાછળના ભાગેથી ટક્કર મારી હતી જેના લીધે હાઇ-વે પર દોડતી જીપ પલ્ટી મારી ગઇ હતી અને જીવલેણ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ટ્રક ચાલક હાઇ-વે પર ભાગી ગયો હતો. જ્યારે જીપમાં સવાર ગુલાબભાઇ પટેલ, રહેવાસી રાણીપુરા તા.ઘોઘંબાનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. જ્યારે કિરણ વિજયને માથાના ભાગે ઇજાઓ થતા તેને સયાજી હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં તેની પણ હાલત ગંભીર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું.