રાજકોટ-

ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હવે રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૩૨ દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટમાં અત્યાર સુધીના ૨૪ કલાકના સૌથી વધુ મોત છે. જેમાંથી સિવિલ હોસ્પિટલમાં ૨૬ અને અન્ય મોત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં થયા છે. આરોગ્ય સચિવ જયંતિ રવિ રાજકોટમાં છે ત્યારે મોતનો ૨૪ કલાકનો સૌથી ઊંચો આંક સામે આવ્યો છે. રાજકોટના મેયર બીનાબેન આચાર્યને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.

તેમના પતિ જ્યેન્દ્રભાઈનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મેયર ૧૪ દિવસ હોમ ક્વોરેન્ટાઇન થયા હતા. નોંધનીય છે કે, રાજકોટમાં કોરોનાનો રાઇઝિંગ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યારે ભાજપના નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રાજકોટ ખાતે રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. હવે અમદાવાદ અને સુરત પછી સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બગડી રહી છે.

એમાં પણ રાજકોટમાં કોરોનાની સૌથી વધુ સ્થિતિ ખરાબ છે. હાલ, રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસો બે હજારને પાર થઈ ગયા છે. આ કેસો અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે. એટલું જ નહીં, પોરબંદરને બાદ કરતાં તમામ જિલ્લાઓમાં એક્ટિવ કેસો ૧૦૦ને પાર થઈ ગયા છે. રાજકોટ જિલ્લાની સ્થિતિ એટલે પણ વિકટ ગણવી જાેઇએ કેમકે, અમદાવાદ અને સુરતની વસતિની દ્રષ્ટીએ રાજકોટની વસતિ ત્રીજા ભાગની છે. જેની સામે એક્ટિવ કેસોની સંખ્યામાં મોટો તફાવત નથી.