વડોદરા, તા.૧૦

હાલ રાજ્યમાં લોકરક્ષક દળ - એલઆરડીની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત વડોદરા જિલ્લામાં ફાળવેલ ૧૦૪ જેટલા વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં ૩૨ હજારથી વધુ ઉમેદવારોએ એલઆરડીની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા કેન્દ્રો ઉપર શાંતિપૂર્ણ યોજાય અને પરીક્ષાર્થીઓ નિર્ભય રીતે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. એટલું જ નહીં, કોઈપણ પરીક્ષાર્થી કોઈ કારણસર તકલીફમાં મુકાયો હોય, સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શકે તેવી સ્થિતિમાં ન હોય તેવા ઉમેદવારો માટે પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ એલઆરડીની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. આજે રાજ્યભરના સાત જિલ્લાઓમાં ૯પ૪ જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ર.૯પ લાખ ઉમેદવારો માટે બૌદ્ધિક કસોટી માટેની લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં વડોદરા શહેર-જિલ્લાના ૧૦૪ જેટલા અલગ અલગ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યાં હતાં. ૩ર હજાર ઉપરાંતના પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.

બીજી બાજુ આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર બૌદ્ધિક કસોટીની પરીક્ષા શાંતિપૂર્ણ અને નિર્ભય રીતે, ગેરરીતિઓ ન થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા દરમિયાન ચુસ્ત નીતિ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. એલઆરડીની પરીક્ષા દરમિયાન કોઈપણ ઉમેદવારને લઘુશંકા કે પાણી પીવા માટે કલાસરૂમની બહાર જવાની મનાઈ ફરમાવામાં આવી હતી. પાણીની વ્યવસ્થા કલાસરૂમમાં જ કરાઈ હતી. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્ર પર પહોંચનાર પરીક્ષાર્થીનું બાયોમેટ્રીક વેરિફિકેશન અને વીડિયોગ્રાફી પણ કરાઈ હતી. બેઠક વ્યવસ્થા માટેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મોબાઈલ ફોન સાથે લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ગેરરીતિ ન થાય તે માટે તમામ ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. અલબત્ત, આજે એલઆરડીની બૌદ્ધિક કસોટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પેપર સરળ હોવાથી પરીક્ષાર્થીઓના ચહેરા ઉપર ખુશી જાેવા મળી હતી.

હરણી પોલીસે માનવીય અભિગમ અપનાવી પરીક્ષાર્થીઓને સમયસર કેન્દ્ર પર પહોંચાડાયા

વિવિધ પરીક્ષાકેન્દ્રો પર એલઆરડીની પરીક્ષા યોજાઈ હતી. જેમાં શહેરની અમિતનગર સર્કલ પાસે આવેલ જયઅંબે સ્કૂલમાં ફાળવવામાં આવેલ પરીક્ષાકેન્દ્ર એકાએક બદલીને સમા-સાવલી રોડ પર રીધમ હોસ્પિટલની પાછળ આવેલ જયઅંબે સ્કૂલમાં આપવામાં આવતાં પરીક્ષાર્થીઓ જૂની જયઅંબે સ્કૂલ અમિતનગર સર્કલ પર આવી પહોંચતાં તેઓ અટવાઈ ગયા હતા. જાે કે, હરણી પોલીસ મથકની શી ટીમ અને પોલીસના સ્ટાફે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાથી માનવીય અભિગમ અપનાવીને તાબડતોબ પોલીસ હેડ કવાર્ટસથી બસની સુવિધા કરી અટવાયેલા તમામ પરીક્ષાર્થીઓને સમયસર નવા પરીક્ષાકેન્દ્ર પર લઈ જવામાં આવ્યા હતા.