દિલ્હી-

ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ઘટ્યો છે પણ ચિંતાનું કારણ હજુ પણ છે કારણ કે રોજ નોંધાતા કેસો ૪૦ હજારથી ઉપર જ નોંધાય છે, સાથોસાથ મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જઈ રહી છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન પણ ચાલી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૩ લાખ ૮૧ હજારથી વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫,૮૯૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૭,૦૯,૫૫૭ થઈ ગઈ છે.

બીજી તરફ, દેશમાં કુલ ૩૬,૪૮,૪૭,૫૪૯ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વેક્સીનના ૩૩,૮૧,૬૭૧ ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૮ લાખ ૪૩ હજાર ૮૨૫ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૪૪,૨૯૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૬૦,૭૦૪ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૦૫,૦૨૮ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.  ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૭ જુલાઈ, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૨,૫૨,૨૫,૮૯૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૮,૯૩,૮૦૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૬૫ કેસ નોંધાયા છે. રાજ્યમાં બુધવારે કોરોનાથી એક પણ દર્દીનું મૃત્યુ નથી. રાજ્યમાં ૨૮૯ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૧૯૬૯ છે. જે પૈકી ૧૦ દર્દી વેન્ટીલેટર પર છે.