કલોલ : કલોલ શહેરના નવજીવન શોપિંગમાં આવેલ ઇલેક્ટ્રોનિક આઇટમ ગોડાઉનમાં તસ્કરો ત્રાટકયા હતા. દુકાનમાં રહેલ વિવિધ ઇલેક્ટ્રોનિક સામાન મળી કુલ રૂપિયા ૨,૬૬,૦૦૦ની ૧૬ વસ્તુઓની ઉઠાંતરી કરી પલાયન થઇ છે. ગોડાઉનમાં આટલી મોટી ચોરી થતાં વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. નગરના ખૂની બંગલા પાસે આવેલા પોલીસ પોઈન્ટ નજીક જ ચોરોએ વિદ્યા અજમાવી હોવાથી શહેરના અન્ય વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફડાટની લાગણી ફેલાઈ જવા પામી છે.કલોલ તાલુકાના ઓળા ગામે આવેલ પટેલ વાસમાં રહેતા ધવલકુમાર પટેલ અને મુકેશભાઈ પટેલ તેમજ કલોલના કલ્યાણપુરા વિસ્તારની ઈશ્વરકૃપા સોસાયટીમાં રહેતા કિશન કુમાર પટેલ કલોલના સિટી મોલ ખાતે ન્યૂ રોયલ મોબાઇલ નામનો ભાગીદારીમાં શોરૂમ ચલાવે છે. જેઓએ નવજીવન શોપિંગમાં આવેલ દુકાન નંબર ૨૯,૩૦,૩૧,૩૨,૧૭ એમ કુલ ૫ દુકાનો ગોડાઉન તરીકે ધરાવે છે. જેમાં તેમાં શોરૂમની ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનો રાખે છે.તા.૧૮ નવેમ્બરના રોજ તેમને ગોડાઉનમાંથી માલ કાઢી બંધ કર્યું હતું. જે તા.૧૯ નવેમ્બરના રોજ બપોરે ૪ના સુમારે ગોડાઉનમાં માલ લેવા જતા ૩૧ નંબરની દુકાનના શટર નકુચા તૂટેલા હતા. ગોડાઉન ચોરી થયાનું જણાતા ગોડાઉનની અંદર જોતા તેમાં કુલ રૂ.૨,૬૬,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે કલોલ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવીછે.