વડોદરા : વડોદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિ. (બરોડા ડેરી)ની ૭ બેઠકો માટેની ચૂંટણી આજે યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કોવિડ-૧૯ની ગાઈડલાઈન સાથે યોજાયેલી ચૂંટણીમાં ૫૯૪ મતદારો પૈકી ૫૯૧ મતદારોએ મતદાન કરતાં ૯૯.૪૯ ટકા મતદાન થયું હતું. બરોડા ડેરીની ચૂંટણીને લઈને બરોડા ડેરી સ્થિત મતદાન મથક બાદ મોટી સંખ્યામાં ઉમેદવારોના સમર્થકો ઉમટી પડયા હતા. મતદાર પ્રક્રિયા બાદ બંને પક્ષોએ જીતનો દાવો કર્યો હતો. જાે કે, આવતીકાલે મતગણતરી થયા બાદ બરોડા ડેરીમાં સત્તાના સૂત્રો કોણ સંભાળશે તે સ્પષ્ટ થશે. વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા એવી બરોડા ડેરીના નિયામક મંડળની ચૂંટણી પૂર્વે ૧૩ બેઠકો પૈકી ૬ બેઠકો બિનહરીફ થતાં આજે બરોડા ડેરીના હોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, કોવિડ-૧૯ની ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે સવારે ૯ વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાત ઝોનના સાત મતદાન મથકો અલગ અલગ બનાવવામાં આવ્યા હતા અને કતારમાં મતદારોને મતદાર મથકમાં જવા દેવામાં આવ્યા હતા. ઉમેદવારો દ્વારા મતદારો માટે લાવવા-લઈ જવા માટે લકઝુરિયસ બસ તેમજ અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમાં મતદારો ટેકેદારો સાથે આવી પહોંચ્યા હતા. જાે કે, મતદારો સિવાયના સમર્થકો, ટેકેદારોને પોલીસે દૂર કરીને માત્ર મતદારોને કતારમાં મતદાન મથકે જવા દેવામાં આવ્યા હતા. સવારે ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી મતદાનના સમય દરમિયાન પ૯૪ મતદારો પૈકી પ૯૧ મતદારોએ મતદાન કર્યું હતંુ, જ્યારે ૩ મતદારોનું અવસાન થયું હતું. જેથી ૯૯.૪૯ ટકા મતદાન થયું હતું. આવતકાલે સવારે ૯ વાગ્યાથી બરોડા ડેરીમાં જ મતગણતરી હાથ ધરાશે. ત્યારે વર્તમાન બોર્ડના સભ્યો જ ફરી સત્તાના સૂત્રો સંભાળશે કે મતદારોને પરિવર્તન કર્યું છે તેની સ્પષ્ટતા થશે. જાે કે, હાલ તો બંને પક્ષોએ પોતાની જીતનો દાવો કર્યો છે પરંતુ આવતીકાલે બપોર સુધી કોણ સત્તા સંભાળશે તેની સ્પષ્ટતા થઈ જશે. 

એક મતદારે ખૂલ્લો મત નાખતાં વિવાદ

બરોડા ડેરીની ચૂંટણીમાં મતદાનની શરૂઆતમાં ડેરીના વર્તમાન ચેરમેનના સમર્થકે ખૂલ્લો મત નાખવા જતાં કોંગ્રેસપ્રેરિત પેનલના ઉમેદવાર અને ડેરીના પૂર્વ ચેરમેનના સમર્થકોએ વિરોધ નોંધાવી ચૂંટણી અધિકારી સમક્ષ આ અંગે રજૂઆત કરી વિરોધ કરવામાં આવ્યો હતો. નિયમ પ્રમાણે ખૂલ્લો મત મતપેટીમાં નાખી શકાય નહીં, છતાં કોઈના ઈશારે ખૂલ્લો મત નાખ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. જાે કે, ભાજપના અગ્રણી અને પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું કે નિયમનો કોઈ ભંગ થયો નથી. ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે, મતપત્રકની ગળી વાળવામાં મુશ્કેલી પડી હતી, તેથી વ્યવસ્થિત ગળી વાળીને પછી મતદાન કરવામાં આવ્યું હતું.

પવનના કારણે બેરિકેટ તૂટતાં એક મતદારને ઈજા

યોગ્ય રીતે મતદાન થાય તે માટે તંત્ર દ્વારા મતદારોને મતદાન માટે આવવા-લઈ જવા માટે બેરિકેટ બનાવ્યા હતા પરંતુ એકાએક તેજ ગતિએ પવન ફૂંકાતાં બેરિકેટ પડી જતાં એક વૃદ્ધ મતદારને સામાન્ય ઈજા થઈ હતી. જાે કે, સ્થળ પર હાજર કર્મચારીઓએ તરત જ સારવાર આપીને ફરી બેરિકેટ અને યોગ્ય રીતે ગોઠવ્યા હતા.

કયા ઝોનમાં કેટલું મતદાન

ઝોન બેઠક મતદારો મતદાન

૧ પાદરા ૮૭ ૮૭

૩ વડોદરા ૮૦ ૭૯

૪ શિનોર-તિલકવાડા ૮૪ ૮૪

પ સાવલી ૮૮ ૮૬

૬ ડેસર ૮૬ ૮૬

૮ ડભોઈ ૮૫ ૮૫

૯ સંખેડા ૮૪ ૮૪