દિલ્હી-

લગભગ સાત વર્ષમાં 4 કરોડથી વધુ રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે. આ પાછળ કારણ શું છે ?

મંત્રાલયના જણાવ્યા અનુસાર યોગ્ય લાભાર્થીઓને ઓળખવા માટે 2013 અને 2020 ની વચ્ચે 4.39 કરોડ બનાવટી રેશનકાર્ડ રદ કરવામાં આવ્યા છે. તેમ છતાં, રદ કરાયેલા રેશનકાર્ડને બદલે, યોગ્ય અને પાત્ર લાભાર્થીઓ / પરિવારોને નિયમિતપણે નવા કાર્ડ આપવામાં આવ્યા છે. ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ (એનએફએસએ) એ જણાવ્યું હતું કે આ અભિયાન જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ) અને પારદર્શિતાને સુધારવા માટે શરૂ કરવામાં આવી હતી.

મંત્રાલયે આપેલી માહિતી મુજબ પીડીએસ દ્વારા 81.35 કરોડ લોકોને અનાજ ખૂબ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે તે દેશની બે તૃતીયાંશ વસ્તી છે. હાલમાં દેશના 80 કરોડથી વધુ લોકોને દર મહિને અનાજ (ચોખા, ઘઉં અને અન્ય બરછટ અનાજ) પૂરા પાડવામાં આવે છે, જે કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલા રૂ .3, રૂ .2 અને રૂ .1 પ્રતિ કિલોના રાહત દરે આપવામાં આવે છે.