ન્યૂ દિલ્હી

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં એક મોટી આતંકવાદી કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. અહીંના કુલગામ અને પુલવામામાં બુધવારે એન્કાઉન્ટર્સ થયા હતા. જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલા મંગળવારે સાંજે કુપવાડા જિલ્લાના ગેંડર્સ વિસ્તારના હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર મેહરાજુદ્દીન હલવાઈ ઉર્ફે ઉબેદની હત્યા કરાઈ હતી. આ રીતે 24 કલાકમાં ખીણમાં કુલ 5 આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે ગુરુવારે આ માહિતી આપી.

પ્રથમ એન્કાઉન્ટર કુલગામના જોદર વિસ્તારમાં થયું. સુરક્ષા દળોના સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા.

બીજુ એન્કાઉન્ટર પુલાવામાના પુચલ વિસ્તારમાં થયુ હતું. આતંકવાદીઓને છુપાવ્યા હોવાની બાતમી પર સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા. બંનેની ઓળખ જાણવા મળી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં વધુ બે આતંકીઓ છુપાયેલો હોવાની સંભાવના છે. સર્ચ ઓપરેશન હજી ચાલુ છે.