વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાની સ્થિતિ વધુને વધુ ભયાનક બનતી જાય છે. જેને લઈને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેઇટિંગ લિસ્ટ-પ્રતીક્ષા યાદી જેવી સ્થિતિ સર્જાવા પામી છે.એટલુંજ નહિ સૌથી વધુ કરૂણ બાબત તો એ છે કે શહેરના સ્મશાનોમાં પણ પ્રતીક્ષા યાદી જેવી સ્થિતિ સર્જાતા આસપાસના ગામોના સ્મશાનોમાં અગ્નિદાહ આપવો હોય તો જ મૃતકોની ડેડ બોડી કોરોનાના પ્રોટોકોલને આધીન સોંપવામાં આવે છે.તેમ છતાં સબ સલામતનું ગાણું ગાતા તેમજ સરકારને અને આકાઓને વહાલા થવાને માટે સાચી સ્થિતિ છુપાવીને આભાસી ચિત્ર રજુ કરતા અધિકારીઓના કારસ્તાન ખુલ્લા પડી જતા માં મને કોઠીમાંથી કાઢ જેવી સ્થિતિ નિર્માણ ઠાંસવા પામી છે. ત્યારે આ બધી સ્થિતિ વચ્ચે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને વડોદરાના પ્રભારી એવા નીતિન પટેલ વડોદરાની કોરોનાની સ્થિતિ અને એની વ્યવસ્થાઓ વિષે જાત માહિતી મેળવવા અને માર્ગદર્શન આપવાને માટે આવી રહયા છે.ત્યારે એકાએક તંત્ર દ્વારા વડોદરા શહેરમાં નાયબ મુખ્યમંત્રીના આગમન પહેલા આશ્ચર્યજનક રીતે કોરોનાના દર્દીઓની સંખ્યામાં મામૂલી ઘટાડો બતાવવામાં આવ્યો છે.જેને લઈને આકાઓને ખુશ કરવા વધુ એકવાર આંકડાઓની રમત રમવામાં આવી છે.જેમાં ગઈકાલ કરતા આજે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો દર્શાવવામાં આવ્યો છે.ગઈ કાલે ૩૯૧ સામે આજે ૩૭૬ કોરોનાના કેસો નોંધાયાનું દર્શાવાયું છે. જ્યારે ૧૭ના મોત છતાં તંત્ર દ્વારા માત્ર એક જ સત્તાવાર મોત દર્શાવાયું છે. આમ તમામ ક્ષેત્રે આંકડાઓની રમત રમીને સાચી હકીકત છુપાવાઈ રહી છે.એટલુંજ નહિ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી અત્યંત નજીવા આંગળીના વેઢે ગણી શકાય એટલાજ દર્દીઓને જ રોજ રજા આપવામાં આવે છે. તેમ છતાં એના આક્ડાઓમાં પણ મોટી સંખ્યામાં હોમ આઇસોલેશનમાંથી મુક્ત થતા દર્દીઓની સંખ્યા ડીસચાર્જમાં દર્શાવીને વધુને વધુ દર્દીઓ સાજા થયાનું આભાસી ચિત્ર ઉપસાવાઈ રહ્યું છે. જેમાં આજે માત્ર ૧૧-૧૧ દર્દીઓ ખાનગી-સરકારી દવાખાનામાંથી ડિસ્ચાર્જ જ્યારે ૧૮૮ હોમ આઇસોલેશનતથી મુક્ત થયા છે. આમ કુલ હોસ્પિટલના માત્ર ૨૨ દર્દીઓ હોવા છતાં ૨૧૦ દર્દીઓ ડિસચાર્જ થયાનું દર્શાવીને આંકડાઓની રમત રમાઈ રહી છે. શહેરમાં અત્યાર સુધીમાં ૨૮૭૮૦ દર્દીઓ નોંધાયા છે.જેમાં આજે વધુ ૩૭૬નો ઉમેરો થતા સંખ્યા ૨૯૧૫૬એ પહોંચી છે.આજ પ્રમાણે આજે લેવાયેલા ૫૪૬૧ સેમ્પલમાંથી ૫૦૮૫ નેગેટિવ અને ૩૭૬ પોઝિટિવ આવ્યા હતા. જયારે મરણના આંક ૨૫૧માં એકનો ઉમેરો થતા એ સંખ્યા ૨૫૨એ પહોંચી છે. એક્ટિવ ૨૧૩૦ દર્દીઓમાં ૧૮૬૦ સ્ટેબલ અને ૧૭૧ ઓક્સિજન પર અને ૯૯ વેન્ટિલેટર પર છે. આજે ૨૧૦ દર્દીઓને ડિસચાર્જ કરાયા છે.એ સાથે એની સંખ્યા ૨૬૫૬૪થી વધીને ૨૬૭૭૪ સુધી પહોંચી છે. હાલમાં ૬૮૮૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇનમાં છે.