વડોદરા : સયાજી હોસ્પિટલમાં આજે દિવસ દરમિયાન મ્યુકોરમાઈકોસિસના વધુ ૯ દર્દીઓ સારવાર માટે દાખલ થયા હતા. આ સાથે દર્દીઓની કુલ સંખ્યા ૧૧૨ થઈ હતી જેમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આજે જનરલ એનેસ્થેસિયા અને લોકલ એનેસ્થેસિયા દ્વારા ૧૩ દર્દીઓને તજજ્ઞની ટીમ દ્વારા ચકાસવામાં આવ્યા હતા. બીજી તરફ એક દર્દીને રજા આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓની સાથે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે અને દર્દીઓ મોટાભાગે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ રહ્યા છે જેથી સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. આજે દિવસ દરમિયાન નવા ૯ દર્દીઓ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાં ૧૦ દર્દીઓના બાયોપ્સીના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને ૧૦ જેટલા દર્દીઓના મેજર અને માઈનર કહી શકાય એવા દર્દીઓના ઓપરેશન કરી સારવાર હાથ ધરવામાં આવી હતી. આજે સાજા થયેલા એક દર્દીને રજા આપવામાં આવી હતી.