વડોદરા -

વનવિભાગ અને વન્યજીવોના રેસ્ક્યુ માટે કાર્ય કરતી સંસ્થા જી.એસ.પી.સી.એ દ્વારા હાલમાં શહેરના વિવિધ વિસ્તારોમાં શિડ્યુલ ૪ અંતર્ગત આવતા હોય અને ઘરમાં પાળીને રાખવામાં આવ્યા હોય એવા વન્યજીવોને લોકોના ઘરમાંથી રેસ્ક્યુ કરીને છોડવાની ડ્રાઈવ ચાલી રહી છે. આજરોજ શહેરના ૩ વિસ્તારોમાંથી કુલ ૬ કાચબા અને ૨૦ પોપટ કબ્જે કરીને વન વિભાગને સોંપવામાં આવ્યા હતા.

ગુજરાત.એસ.પી.સી.એ અને વડોદરા વાઈલ્ડ લાઇફ ડિવિઝન ના એ.સી.એફ. ધવલ ગઢવી અને તેમની ટીમ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમા ઘરમાં પાળીને રાખવામાં આવેલા શિડ્યુલ ૪ અંતર્ગત આવતા પ્રાણીઓને છોડાવીને ખુલ્લામાં મુક્ત કરાવવાની કામગીરી ચાલી રહી છે. આજે આજવા રોડ, ગોરવા અને છાણી વિસ્તારોમાં ઘરમાં ગોંધીને રાખવામાં આવેલ વન્ય જીવ પોપટ અને કાચબા મુક્ત કરાવ્યા હતા. આજરોજ કુલ ૬ કાચબા અને ૨૦ પોપટ મુક્ત કરાવ્યા હતા. જેને વનવિભાગને સોંપવામાં આવ્યા હતા.

વાંદરા અને મગરનું રેસ્ક્યુ

વડોદરા, તા.૨૯

ગઈકાલે મોડીરાતે બિલ ગામના બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશવાના રસ્તા પર આવી ગયેલા અંદાજે ૬.૫ ફૂટના મગર અને સાવલીમાં લોકોને હેરાન કરીને તેમના પર હુમલો કરનાર એક વાંદરાને રેસ્ક્યુ કરીને વનવિભાગ દ્વારા સહી સલામત રીતે છોડવામાં આવ્યા હતા. પ્રથમ બનાવમાં ગતરાત્રે જી.એસ.પી.સી.એ ના રાજ ભાવસારને બિલ રોડ પર આવેલ ચાપડ ગામમાંથી ઈશ્વર ભાઈ વસાવાનો કોલ મળ્યો હતો કે, ગામના બસ સ્ટેન્ડ નજીક એક મગર આવી ગયો છે. કોલ મળતા જ આ અંગે તરત વન વિભાગને જાણ કરી જી.એસ.પી.સી.એ અને વન વિભાગ દ્વારા એક ૬.૫ ફૂટ નો મગર ગામ ના લોકો ની મદદ થી સાવચેતી પૂર્વક પકડી પાડવામાં આવ્યો હતો અને પાંજરામાં પૂર્યો હતો. આ મગર ગામના બસ સ્ટેન્ડથી ગામમાં પ્રવેશવાના રસ્તા પર આવી ચડ્યો હતો. મગરને જોવા માટે ગ્રામજનોની ભીડ જામી ગઈ હતી, પરંતુ કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી અને મગર પકડાઈ જતા ગામ લોકોએ રાહત અનુભવી હતી. બીજા બનાવની વિગતો મુજબ, આજરોજ સાવલી તાલુકાના જશોદા નગર સોસાયટીમાં એક પુછડી વગરનો મોટો વાંદરો લોકોને હેરાન કરીને કેટલાક લોકોને બચકા ભર્યા હોવાનું અને તેમની પાછળ દોડતો હોવાનું જાણવા મળતા તરત જ સાવલી અને વડોદરા વન વિભાગની ટીમ દ્વારા આજે સવારે વાંદરાને પકડવાની કામગીરી હાથ ધરાઈ હતી.