વડોદરા : આજવા રોડ પર કિશનવાડી વિસ્તારમાં આવેલા નુર્મ આવાસ યોજના હેઠળના મકાનમાં રહેતા મધ્યમ અને ગરીબ પરિવારના વાહનોની ગત મોડીરાત્રે માથાભારે તત્વોએ વિનાકારણ તોડફોડ કરી તેમજ ધારદાર હથિયારોથી સીટ કવર અને હુડ ટોપ ઉખાડી નાખી જંગી નુકસાન પહોંચાડતા સ્થાનિક રહીશોમાં રોષની લાગણી ફેલાઈ છે. 

 કિશનવાડી આવાસ નૂર્મ આવાસ યોજના હેઠળના મકાનમાં રહેતા ઘનશ્યામભાઈ પરમારે પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યું હતું કે હું ડ્રાઇવિંગનો વ્યવસાય સાથે સામાજિક કાર્યકર તરીકે અમારા વિસ્તારમાં લોકસેવા કરું છે. મારા વિસ્તારમાં ગત મઘ્યરાત્રિએ માથાભારે તત્ત્વોએ અમારા આવાસ યોજનાના બ્લોક નંબર ૪૨, ૪૩, ૪૪, ૪૫,૩૩ અને ૩૩ માં રહેતા રહીશો તેઓના વાહનો પોતાના બ્લોક નીચે પાર્ક કરે છે. ગત મોડી રાત્રે અમારા વિસ્તારમાં આતંક મચાવતા માથાભારે તત્ત્વોએ ૨૨ ટુવ્હીલર તેમજ ત્રણ ઓટોરિક્ષા અને એક છોટાહાથી ટેમ્પોને નુકસાન પહોંચાડ્યુ હતું તેમજ ધારદાર હથિયારથી વાહનોના સીટ કવરો તેમજ રિક્ષાના ટોપ હુડ ફાડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. અમારા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો દ્વારા અવારનવાર આ રીતે નિર્દોષ રહીશોના વાહનોને નુકસાન પહોંચાડીને હેરાનગતિ થઈ રહી છે. આ અંગે અમે અલગ અલગ રહીશોએ આ અગાઉ પણ પોલીસમાં જાણ કરી છે તેમ છતાં આ માથાભારે તત્વો સામે કોઈ કામગીરી ન થતાં નિર્દોષ રહીશોને ત્રાસ સહન કરવાનો વારો આવી રહ્યો છે.

હાલમાં કોરોનાવાયરસ ની મહામારીમાં લાંબા સમયથી અમારા વિસ્તારમાં અનેક લોકો બેરોજગાર બન્યા હતા હવે પરિસ્થિતિ ધીમે-ધીમે થાળે પડતા તેઓને રોજગારીની તકો ઉભી થઈ રહી છે પરંતુ વાહનોને નુકસાન પહોંચાડતા તેઓને પડતા પર પાટું મારતા હોય તેવો ઘાટ ઘડાયો છે. મોડી રાત્રે કરફ્યુ હોવા છતાં અસામાજિક તત્વો રાત્રે અમારા વિસ્તારમાં રખડતા હોય અને મકાન નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન પહોંચાડતા હોય પોલીસને આવા તત્વોને પકડવાની અમારી માંગણી છે આ ઉપરાંત આગામી દિવસોમાં મકરસંક્રાંતિ તહેવાર અને ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણી આવતી હોય અસામાજિક તત્વો દ્વારા જાણી જાેઈને મારા વિસ્તારમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થતો હોય તેવું પણ લાગી રહ્યું છે. અમારા વિસ્તારમાં આશરે ૩૦૦૦ જેટલા આવાસો છે તો અમારા વિસ્તારમાં એક પોલીસ ચોકી બને તેવી પણ અમારી માંગણી છે