અમદાવાદ-

વોટ્સએપ પર મેસેજ મોકલીને લોકોને ફ્રેન્ડશીપ કરવા લલચાવીને 71 લોકો પાસેથી રૂ.41 લાખ ખંખેરતી ગેંગના ભાઈ-બહેનને અમદાવાદ ગ્રમ્ય સાયબર સેલ, એલ.સી.બી ટીમ તથા સાણંદ પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરીને સુરતથી ઝડપી પાડ્યા છે. એક યુવક પાસે મિત્રતા કરવાના બહાને રૂ.10 લાખ મેળવી છેતરપીંડી થતા ફરિયાદ થઈ હતી. આરોપીની પુછપરછમાં 9 સાગરિતો મળીને લોકોને ઠગતા હોવાનું સામે આવતા પોલીસે ફરાર 9 આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સાણંદ જિલ્લામાં રહેતા રાજુભાઈ (નામ બદલેલ છે.)ને થોડા દિવસો પહેલા વોટ્સેપ પર એક મેસેજ આવ્યો હતો. જેમાં ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા માંગતા હોવ તો જણાવેલ નંબરને ફોન કરતો તેવો મેસેજ જોઈને રાજુભાઈએ આ નંબર પર ફોન કરી ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવવા માટેની વાત કરી હતી. બાદમાં રાજુભાઈને રજિટ્રેશન કરાવી ઓનલાઈન ખાતામાં રૂ.2400 જમા કરાવ્યા હતા. બાદમાં વિઝિટીંગ કાર્ડ બનાવવા માટે રૂ.15.500 તથા ફ્રેન્ડશીપ ક્લબમાં સ્ત્રી મિત્ર બનાવી આપવા તથા તેની મુલાકાત કરાવવા માટે અલગ અલગ રીતે કુલ રૂ.10.45 લાખ અલગ અલગ ખાતામાં ભરાવ્યા હતા. જો કે બાદમાં રાજુભાઈ સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તેમણે સાણંદ પોલીસ સ્ટેશનમાં તથા અમદાવાદ જિલ્લા સાયબર સેલનો સંપર્ક કર્યો હતો. બાદમાં સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. બીજી બાજુ આ કેશની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક ગ્રામ્યએ સાયબર ક્રાઈમ સેલ અને એલ.સી.બીને સૂચના આપીને ફ્રોડ કરનાર ટોળકીને તાત્કાલિક પકડવાનો આદેશ કર્યો હતો. જેથી ટેકનિકલ એનાલીસીસ તથા આવેલા નંબરનું લોકેશન મેળવતા સુરત રીંગ રોડ સિવિલ હોસ્પિટલ ચાર રસ્તા પાસે સેન્ટર પોઈન્ટ કોમ્પલેક્ષના પાંચમા માળે આવેલી ઓફિસમાં આ ટોળકી હોવાનું પોલીસ અને સાયબર ક્રાઈમની ટીમને જાણવા મળ્યું હતું. જેના પગલે સાણંદ પોલીસ, સાયબર ક્રાઈમસેલ અને એલ.સી.બીની ટીમે અલગ અલગ ટીમો બનાવી સુરત પહોંચીને દરડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઠગ ટોળકીના ભાઈ બહેન ને પકડીને કુલ રૂ.51.200 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પુછપરછ કરતા બંન્નેએ પોતાના નામ સની પંકજભાઈ પારેખ (ઉ.વ.20) અને નેહા પંકજભાઈ પારેખ (ઉ.વ.22) (બંન્ને રહે. કલ્પવૃક્ષ સોસાયટી ઘોડાદોડ રોડ, સુરત) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પકડાયેલા આરોપીની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ ટોળકીના માણસો છેલ્લા એક વર્ષથી જુદા-જુદા અસંખ્ય નાગરીકો સાથે ફ્રેન્ડશીપ ક્લબમાં જોડાવા અને સ્ત્રી મિત્ર બનાવી આપવાની લાલચ આપી લોકો સાથે ફ્રોડ કરતા હતા. અને અલગ અલગ બેંક ખાતાઓમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરાવતા હતા. જે હાલ સુધી કુલ-71 જેટલા નાગરિકો ભોગ બનેલાનું જણાઇ આવ્યું છે. જેઓ પાસેથી ઓનાલાઇન આશરે 41,49,400 જેટલી માતબાર રકમ ફ્રોડ દ્વારા ટ્રાન્સફર કરાવી લીધેલાનુ ધ્યાને આવેલું છે.