દિલ્હી-

દેશમાં વિતેલા ૨૪ કલાકમાં નવા ૪૪,૧૧૧ કોરોનાના કેસ નોંધાયા છે જેને પગલે કુલ કેસનો આંકડો વધીને ૩,૦૫,૦૨,૩૬૨ પર પહોંચ્યો છે. બીજીતરફ મૃત્યુઆંકમાં આંશિક ઘટાડો નોંધાયો છે. એક દિવસમાં ૭૩૮ દર્દીના મોત થતા કુલ મૃત્યુઆંક ૪,૦૧,૦૫૦ થયો હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. મંત્રાલયના મતે છેલ્લા ૮૬ દિવસમાં કોરોનાથી મૃત્યુનો સૌથી ઓછો આંક છે.

કોરોનાના સક્રિય કેસો ૯૭ દિવસ પછી ઘટીને પાંચ લાખની નીચે ૪,૯૫,૫૩૩ નોંધાયા છે જે કુલ કેસ લોડના ૧.૬૨ ટકા છે. કોરોનાનો રિકવરી દર સુધરીને ૯૭.૦૬ ટકા નોંધાયો હોવાનું કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું. વિતેલા એક દિવસમાં કોરોનાના કુલ ૧૪,૧૦૪ કેસો ઘટ્યા છે. સળંગ ૫૧માં દિવસે કોરોનાના નવા કેસની તુલનાએ રિકવર થનાર દર્દીઓનો આંક વધુ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ ૨,૯૬,૦૫,૭૭૯ દર્દીઓ સ્વસ્થ થયા છે. કોરોનાથી મૃત્યુનો દર ૧.૩૧ ટકા નોંધાયો છે. ગુરુવારે કોરોનાના ૧૮,૭૬,૦૩૬ ટેસ્ટ હાથ ધરાયા હતા આ સાથે જ અત્યાર સુધીમાં કુલ ૪૧,૬૪,૧૬૪૬૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ દેશમાં થયું છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૩૪,૪૬,૧૧,૨૯૧ કોરોનાના ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયના મતે આઠ રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ૧૮-૪૪ વયજૂથના ૫૦ લાખથી વધુ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં બીજી લહેર દરમિયાન સૌથી વધારે ખરાબ હાલત મહારાષ્ટ્રની થઈ હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધારે ૧૫૬ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાના ૮૭૫૩ કેસ નોંધાયા છે. કેરળમાં ૨૪ કલાકમાં ૧૪૬ કેસ નોંધાયા છે. કેરળમાં ૨૪ કલાકમાં ૧૨,૦૯૫ કેસ નોંધાયા છે. તામિલનાડુમાં ૯૭ લોકોનાં મોત થયા છે, જ્યારે ૪,૨૩૦ નવા કેસ નોંધાયા છે. કર્ણાટકમાં કોરોનાથી ૮૮ લોકોનાં મોત થયા છે, જ્યારે ૨,૯૮૪ કેસ નોંધાયા છે.