રાજકોટ-

અલથાણના યુવાનને યુ.એસ ડોલર એક્સચેન્જ કરવાના બહાને વિશ્વાસમાં લઇને રોકડા રૂ. ૪.૫૦ લાખ પડાવી લઇને ડોલરની નોટને બદલે પેપરની ગડી પધરાવતી આંતરરાજય ગેંગના ત્રણ ભેજાબાજને અઠવાલાઇન્સ પોલીસે મોડી રાત્રે ઝડપી પાડ્યા છે. ત્રણેય પાસેથી અમેરિકન ડોલર, રોકડા રૂ. ૫૬,૬૧૦ અને મોબાઇલ ફોન વગેરે કબ્જે લીધા છે. જયારે આ ગેંગના અન્ય ત્રણ સાથીદારોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

સુરતના અલથાણ-ભીમરાડ કેનાલ રોડ સ્થિત સેન્ટેસો હાઇટ્‌સમાં રહેતા મનિષ કમલેશ પાંડેને નવી સિવિલ હાૅસ્પિટલ ચાર રસ્તા પાસે મની એક્સચેન્જ ઓફિસ કયાં આવી છે તે અંગેની પૂછપરછ કરી વાતચીતમાં વિશ્વાસ કેળવી રૂ. ૪.૫૦ લાખ રોકડા આપો તો ૨૦ યુ.એસ ડોલરની ૧,૬૬૪ નોટ આપી દઇશ તેમ કહી આરોપીઓએ નાનપુરા જીંગા સર્કલ પાસે બોલાવી રોકડા રૂ. ૪.૫૦ લાખ પડાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાને લઈને આ યુવાને અઠવા પોલીસ મંથકમાં ફરિયાદ કરી હતી. જેને લઈને પોલીસે આ મામલે તપાસ શરુ કરી હતી. આવી છેતરપિંડીમાં અગાઉ ઝડપાયેલા યુવાનોની ભરીમાતા-ફુલવાડી સ્થિત મદીના મસ્જિદ નજીક દિલસાદ અંસારીના મકાનમાં રહેતા આરીફખાન રોહીમ અંસારી મોહમદ, સુમોન મો. અત્તીવાર ખલીફા અને નરેશકુમાર મુજીકુમાર મંડલને ઝડપી પાડી તેમની પાસેથી ૨૦ અમેરિકન ડોલરની ૯ નંગ નોટ (ભારતીય ચલણ મુજબ રૂ.. ૧૩,૪૫૬), રોકડા રૂ. ૫૬,૧૬૦, ૫ નંગ મોબાઇલ ફોન કિંમત રૂ. ૬૫૦૦ અને ન્યૂઝ પેપરની બનાવેલી ગડી કબ્જે લીધી હતી. પોલીસે ઝડપાયેલા ઉપરોકત ત્રણના આરોપીના વધુ ત્રણ સાથીદાર બબલુ ઉર્ફે ગણેશ શેખ, સલીમ મહાજન અને સાહીલ ઉર્ફે ભોલાને વોન્ટેડ જાહેર કર્યા છે.