દિલ્હી-

આગામી બજેટમાં, સરકાર સ્માર્ટફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય સામગ્રી સહિત 50 થી વધુ વસ્તુઓ પર આયાત ડ્યુટીમાં 5-10 ટકાનો વધારો કરી શકે છે. ત્રણ સરકારી સ્ત્રોતોએ આની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'આત્મનિર્ભર ભારત' યોજનાનો એક ભાગ આયાત ડ્યુટી વધારવી છે. આયાત ડ્યુટીમાં વધારો કરવાથી દેશમાં ઉત્પાદનને વેગ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સરકારનો પ્રયાસ બિન-આવશ્યક ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂકવાનો છે, જેથી તે ઉત્પાદનો ભારતમાં ફક્ત મેક ઇન ઇન્ડિયા હેઠળ ઉત્પાદિત થઈ શકે. કોરોના વાયરસને કારણે સરકારની આવકમાં ઘટાડો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર આયાત ડ્યુટીમાં 20 થી 21 હજાર કરોડનો વધારો કરી શકે છે.

સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર ડ્યુટીમાં વધારાથી ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાહનોના ભાવને અસર થઈ શકે છે. સરકારના આ પગલાની અસર ટેસ્લા અને સ્વીડનની ફર્નિચર કંપની આઈકેઇએ પર પણ પડી શકે છે, કેમ કે ટેસ્લા આ વર્ષે ભારતમાં પોતાની કાર લોન્ચ કરવાની યોજના ધરાવે છે. જોકે, અધિકારીઓએ કહ્યું નથી કે ફર્નિચર અને ઇલેક્ટ્રિક વાહનો પરની આયાત ડ્યૂટી કેટલી વધારશે. આઈકેઇએ અને ટેસ્લા અધિકારીઓ ભારતમાં તેમના ઉત્પાદનો પરની ડ્યુટી અંગે ચિંતા કરી ચૂક્યા છે.