વડોદરા, તા.૨૭

વડોદરા કોર્પોરેશન દ્વારા કારેલીબાગ ખાતે રાત્રી બજાર બાદ આજવા રોજ સયાજીપુરા ખાતે ૩૫ દુકાનો સાથે રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા ૪ વર્ષથી તૈયાર નવું રાત્રી બજાર હજુ શરૂ થઇ શક્યું નથી અને દુકાનો ખાલી પડી રહી છે. પાલિકા દ્વારા કારેલીબાગ ખાતે બનાવાયેલ રાત્રી બજાર સફળ રહ્યું છે ત્યારે આજવા રોડ ખાતે પણ રાત્રી બજાર બનાવવામાં આવ્યું છે. જેમાં એક દુકાન પેસેજ સાથે ૨૪ ચો.મી.નો વિસ્તાર ધરાવે છે. અગાઉ જાહેર હરાજીથી દુકાન આપવા અપસેટ વેલ્યું રૂા.૩.૧૧ લાખ અને તેટલીજ ડિપોઝિટની રકમ રાખવામાં આવી હતી પરંતુ કોઇએ રસ નહીં દાખવતાં તેમા ઘટાડો કરીને રકમ રૂા.૨.૨૫ લાખ રાખવામાં આવી છે અને દુકાનો જાહેર હરાજીથી ૩ વર્ષ માટે ફાળવવા માટે અનેક વખત જાહેરાત આપવામાં આવી છે પરંતુ ભાડાની રકમ અરજદારોને વધુ લાગતી હોવાથી દુકાન કોઇ લેવા તૈયાર થતું નથી. આજવા રોજ વિસ્તારમાં હાલમાં દુકાનોના માસિક ભાડાની રકમ રૂા.૧,૪૦૦૦ જેટલી છે એ મુજબ દુકાનો જાહેર હરાજીથી આપીને પાલિકા આવક ઉભી કરી શકે છે. દુકાનોની અપસેટ વેલ્યું અને ડિપોઝિટની રકમ ઘટાડીને જાહેર હરાજીથી દુકાનો આપવા સ્થાયી સમિતિએ અગાઉ દરખાસ્ત મંજૂર કરી હતી તેને સામાન્ય સભાએ પણ મંજૂરી આપતા ફરી જાહેર હરાજી રાખવામાં આવી છે તે માટે અરજદારો તા.૬ ઓગષ્ટ સુધી અરજી કરી શકશે. સાથે કારેલીબાગ રાત્રી બજારની ૩ નાની અને પાંચ મોટી દુકાનો પણ જાહેર હરાજીથી ફાળવવામાં આવશે.