રાજકોટ, રાજકોટ શહેરમાં અલગ-અલગ સ્થળોએથી રિક્ષાઓની ચોરી કરી તેના એન્જિન અને ચેસિસ નંબર બદલી વેચી નાખવાનું કારસ્તાન યુનિવર્સિટી પોલીસની ટીમે ઉઘાડુ પાડીને ૪ શખસોને ઝડપી લઇને ૧.૫૦ લાખની કિંમતની ૬ રિક્ષા કબજે કરી છે.આ ગુનામાં પોલીસે તાહીર ઉર્ફ મોહસીન યુનુસભાઇ સંજાત, જયપાલસિંહ ઉર્ફ જેપ્સી લાલુભા વાઘેલા, રવિ દિનેશભાઇ ડાંગર તથા સતિષ ઉર્ફ સતીયો જેન્તીભાઇ રામૈયાની ધરપકડ કરીને જીજે-૦૧-બીયુ-૫૪૭૫, જીજે-૦૧-બીઝેડ-૭૬૩૮, જીજે-૧૮-યુ-૩૭૩૯, જીજે-૭-વીવી-૨૬૬૭, જીજે-૦૧-એએકસ-૧૨૭૩ તથા જીજે-૦૭-વી-૭૭૫૯ નંબરની લીલા રંગની રૂ. ૧,૫૦,૦૦૦ કિંમતની ૬ રિક્ષાઓ કબ્જે કરી છે. આ રિક્ષાઓ ૩ મહિના પહેલા ગુલાબનગર પાસેથી તાહીર, રવિ, જયપાલસિંહે ચોરી કરી હતી. જેમાં સતિષે ભંગારની રિક્ષાનું ડેસબોર્ડ અને નંબરો લગાવ્યા હતાં.

બે મહિના પહેલા ટીટોડીયા કવાર્ટર પાસેથી એક રિક્ષા ચોરી તેમાં પણ ભંગારની રિક્ષાના નંબર લગાવ્યા હતાં. આ જ રીતે એક મહિના પહેલા સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાર્ટર પાસેથી, તાજેતરમાં બેસતા વર્ષના દિવસે મોરબી રોડ બાયપાસ પાસેથી તથા અન્ય સ્થળેથી એક રિક્ષા ચોરી હતી. જ્યારે ૭૬૩૮ નંબરની રિક્ષા સતિષે પોતાની પાસે ઘણા સમયથી રાખી હતી.યુનિવર્સિટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, નાણાવટી ચોક હોકર્સ ઝોન પાસે જીજે-૦૩-બીયુ-૫૪૫૭ નંબરની રિક્ષામાં તાહીર, જયપાલસિંહ અને રવિ બેઠા છે અને તેની પાસે જે રિક્ષા છે તે ચોરાયેલી છે. આથી ત્યાં જઇ તપાસ કરતાં બાતમી સાચી જણાતાં ત્રણેયને સકંજામાં લઇ પૂછપરછ કરી રિક્ષાના કાગળો આધાર પુરાવા રજૂ કરવા જણાવતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આ રિક્ષા મુંજકા ટીટોળીયા કવાર્ટર પાસેથી ચોરી કર્યાનું કબુલ્યુ હતું. વધુ પૂછપરછ કરતા આ ત્રણેયએ ચોથા શખ્સ હુડકો પોલીસ ચોકી પાછળ વેલ્ડીંગની કેબીન ધરાવતાં સતિષ ઉર્ફ સતીયા સાથે મળી બીજી પાંચ સીએનજી રિક્ષાઓની ચોરી કર્યાનું કબુલતાં આ રિક્ષાઓ પણ કબ્જે કરવામાં આવી હતી. રિક્ષા ચોરવા માટે તાહીર ઉર્ફ મોહસીન, રવિ ડાંગર અને જયપાલસિંહ ઉર્ફ જેપ્સી રાતે બે થી ત્રણ વાગ્યા વચ્ચેનો સમય પસંદ કરતાં હતાં. એક રિક્ષામાં ત્રણેય જતાં હતાં. એ પછી શેરીઓમાં પાર્ક કરાયેલી રિક્ષાની ચોરી કરતાં હતાં.