અમદાવાદ-

કેન્દ્ર સરકારે ગુજરાતમાં રાજકોટ ખાતે એઈમ્સ (ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ) શરૂ કરવાની મંજૂરી આપ્યા બાદ છેલ્લા એક વર્ષથી તૈયારી ચાલી રહી છે અને ચાલુ વર્ષે રાજકોટની એઈમ્સ ખાતે પ્રથમ બેચમાં ૫૦ વિદ્યાર્થીને પ્રવેશ પણ નીટના આધારે ફાળવાશે. હાલ દેશમાં ૧૬ જેટલી એઈમ્સ આવેલી છે અને વધુ ૯ એઈમ્સને મંજૂરી અપાઈ છે. જેમાં ગુજરાતની રાજકોટખાતેની એઈમ્સનો સમાવેશ થાય છે. હાલ યુજી-મેડિકલ એટલે કે એમબીબીએસની ૧૨૦૦થી વધુ બેઠકો વિવિધ એઈમ્સમાં છે. 

રાજકોટ ખાતે મંજૂર થયેલી એઈમ્સ આગામી બે વર્ષમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જનાર છે પરંતુ હજુ સુધી બિલ્ડીંગ બન્યું ન હોવાથી હાલ હંગામી ધોરણે રાજકોટની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલની જગ્યા-સુવિધાઓ વિદ્યાર્થીઓ સ્ટાફને ફાળવશે અને લેબ-કલાસરૂમની સુવિધા વિદ્યાર્થીઓ-સ્ટાફ સરકારી મેડિકલ કોલેજના ઉપયોગ કરશે. જો કે રાજકોટની એઈમ્સ ખાતે ફેકલ્ટી રીક્રુટમેન્ટની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. ચાલુ વર્ષે ૫૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. 

આ વર્ષે તમામ એઈમ્સમાં પ્રવેશ માટે અલાયદી પરીક્ષાને બદલે નીટના આધારે પ્રવેશ થનાર છે. ત્યારે એઈમ્સની સેન્ટ્રલાઈઝ પ્રવેશ પ્રક્રિયામાં રાજકોટ ખાતે પણ પ્રવેશ ફાળવાશે બે વર્ષ સુધી બેંચ હંગામી ધોરણે અન્ય જગ્યાએ ચાલશે અને ત્યારબાદ શીફ્ટ કરાશે. દરમિયાન રાજકોટ મેડિકલ કોલેજના ડીન ગૌરવીબેન ધ્રુવે 'અબતક'ને જણાવ્યું હતું કે રાજકોટમાં એઇમ્સને કાર્યરત કરવા ઝડપભેર કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. અહીંની એઇમ્સનું સંચાલન જોધપુર એઇમ્સ દ્વારા કરાશે. જોધપુર એઇમ્સના ડાયરેક્ટર સહિતની ટીમ તારીખ ૧૬,૧૭, અને ૧૮ ઓક્ટોબર કેમ ત્રણ દિવસ રાજકોટમાં આવી હતી અને એઇમ્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુકોના ઇન્ટરવ્યૂ લીધા હતા. 

ગૌરવબેન છે વધુમાં જણાવ્યું હતું કે હાલના દિવસોમાં સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડની પાછળ આવેલ બે માળના બિલ્ડિંગમાં એઇમ્સ કાર્યરત બનશે. આ માટે આ રીનોવેશન ચાલુ કરી દેવાયું છે. આગામી દિવાળી પછી વ્યવસ્થિત એઇમ્સ ધમધમતી થઇ જશે તેવી આશા છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે એનેટોમી, બાયો કેમેસ્ટ્રી અને ફિઝિઓલોજી એમ પ્રથમ વર્ષના ત્રણ વિષયોના ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. જેમાં ૧૪, ૧૫ જેટલા ઉમેદવારો પ્રોફેસર તેમજ એડિશનલ પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક પામ્યા છે.