આણંદ, તા.૧૮ 

લોકપ્રિય બ્રાન્ડ અમૂલના નામે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને (જીસીએમએમએફ)તા.૩૧ માર્ચ, ૨૦૨૦ના રોજ પૂરાં થતાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૩૮,૫૪૨ કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે, જે જીસીએમએમએફ દ્વારા ગત વર્ષમાં હાંસલ કરાયેલાં ટર્નઓવર કરતાં ૧૭% વધારે છે.

હકીકતમાં જીસીએમએમએફ અને તેનાં સભ્ય સંગઠનો દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ વેચવામાં આવેલી પ્રોડક્ટસનું કુલ ટર્નઓવર રૂ.૫૨,૦૦૦ કરોડથી વધુ (૭ અબજ યુએસ ડોલર) થયું છે. જીસીએમએમએફનો ઉદ્દેશ વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ.૧ લાખ કરોડના બિઝનેસ સ્તરનો આંક વટાવવાનો છે. 

વર્ષ ૨૦૦૯-૧૦માં રૂ. ૮,૦૦૫ કરોડના ટર્નઓવરથી વર્ષ ૨૦૧૯-૨૦ સુધીમાં લગભગ પાંચ ગણા એટલે કે રૂ. ૩૮,૫૪૨ કરોડનું ટર્નઓવર હાંસલ કરવામાં અમૂલ ફેડરેશનને ઝડપી વિસ્તરણના મંત્રથી ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે. ગુજરાતના ડેરી સંગઠનોના ફેડરેશન દ્વારા તા.૧૮ જુલાઇ, ૨૦૨૦ ના રોજ યોજાયેલી ૪૬મી વાર્ષિક સામાન્ય સભામાં આ પરિણામો જાહેર કર્યા હતા.

એ નોંધવું અગત્યનું છે કે વર્ષ ૨૦૧૧ દરમિયાન અમૂલ વિશ્વની ૧૮મા નંબરની ડેરી સંસ્થા હતી, જે હાલમાં વધીને વિશ્વના ૯મા ક્રમના ડેરી સંગઠન બની ગઈ છે. લાંબાગાળે વિશ્વની ટોચની ૩ સંસ્થાઓમાં સુસ્થાપિત કરવા માગે છે. 

જીસીએમએમએફના ચેરમેન રામસિંહ પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, વિતેલાં ૧૦ વર્ષ દરમિયાન દૂધનાં એકત્રીકરણમાં ખૂબ જ વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૦૯-૧૦માં ૯૦.૯૩ લાખ લિટર પ્રતિદિવસ દૂધ સંપાદન હતું, જે વર્ષ ૨૦૧૯-૨૦માં વધીને ૨૧૫.૯૬ લાખ લિટર પ્રતિદિવસ થયું છે, જે ૧૩૮ ટકા જેટલો અભૂતપૂર્વ વધારો દર્શાવે છે. આ પ્રચંડ વૃધ્ધિ અમારા ખેડૂત સભ્યોને આ ગાળા દરમિયાન આપવામાં આવેલ ઊંચા ભાવને કારણે શક્ય બન્યું છે. વર્ષ ૨૦૦૯-૧૦ દરમિયાન દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતાં ભાવ જે રૂપિયા ૩૩૭ પ્રતિકિલોગ્રામ ફેટ હતો, જે વધીને રૂપિયા ૭૬૫ પ્રતિકિલોગ્રામ વર્ષ ૨૦૧૯-૨૦માં કરવામાં આવ્યો છે, જે ૧૨૭ ટકા જેટલો વધારો દર્શાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારી દરમિયાન અમૂલ સહકારી મંડળીઓએ આ કટોકટીના કાળને એક તકમાં પરિવર્તિત કરી દીધો છે. લોકડાઉનના સમય દરમિયાન પ્રતિદિવસ વધારાંનું ૩૫ લાખ લિટર દૂધ એકત્ર કર્યું હતું. આનો અર્થ એ થાય કે વધારાના લગભગ રૂપિયા ૮૦૦ કરોડ ગામડાંના દૂધ ઉત્પાદકોને ચૂકવ્યાં છે. લોકડાઉનના સમય દરમિયાન જ્યારે ઘણાં ખરાં ઉદ્યોગગૃહો સાવ બંધ જ હતાં અને કોઈ ધંધો મળી નહતો, તેવાં સમયે અમૂલનો કારોબાર સ્થિર ગતિથી ચાલ્યો હતો. આ કપરાં સમયે દૂધ ઉત્પાદકો, દૂધ મંડળીઓ, દૂધ સંઘો અને ફેડરેશનના અધિકારીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી.   

જીસીએમએમએફના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે માહિતી આપતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૨ વર્ષમાં ભારત દુનિયાના દૂધનાં સૌથી મોટા ઉત્પાદક તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે. વિશ્વમાં ૨ ટકાના સંગૃહિત વાર્ષિક વૃદ્ધિ દરે દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઇ રહી છે. તેની સામે ભારતમાં છેલ્લાં ૩થી ૪ વર્ષમાં ૫.૫ ટકાના સંગૃહિત વાર્ષિક વૃદ્ધિ દરે દૂધ ઉત્પાદન થઇ રહ્યું છે. ભારત વિશ્વમાં દૂધની ઉત્પાદન વૃદ્ધિમાં લગભગ ૫૦ ટકા પ્રદાન કરે છે. ભારતમાં દૂધની કિંમત આશરે રૂ.૮ લાખ કરોડ જેટલી થાય છે, જે અનાજ-કઠોળ ભેગાં મળીને થતાં ઉત્પાદનના કુલ મૂલ્ય કરતાં પણ વધારે છે.

૧૦ વર્ષમાં લગભગ ૩૦ લાખ લોકોને રોજગારી પૂરી પડાશે ઃ ડો.આરએસ સોઢી

મેનેજિંગ ડિરેક્ટર ડાૅ.આરએસ સોઢીએ જણાવ્યું હતું કે, સરકારે ડેરી ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ માટે રૂપિયા ૧૫,૦૦૦ કરોડ ફાળવવાની અગત્યની જાહેરાત કરી છે. આ ફંડનો ઉપયોગ પૂરવઠો પૂરી પાડવાની શૃંખલાના નિર્માણ માટે તથા ડેરીઓની અને દૂધ - પ્રક્રિયા ક્ષમતા વધારવાના પ્લાન્ટ નાખવામાં માટે કરવામાં આવશે. ભારતનો ડેરી ઉદ્યોગ આ ફંડના ઉપયોગથી અંદાજિત ૪ થી ૫ કરોડ લિટર પ્રતિદિવસ ક્ષમતાના વધારાના પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભાં કરી શકીશું. સંગઠિત ડેરીમાં ‘વધારાની ક્ષમતાનો સીધો અર્થ એ થાય કે વધારે નોકરી - ધંધાઓ, વધારે આજિવિકાનું નિર્માણ ગ્રામીણ ભારતમાં થશે. નવાં પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરવાથી અને સંપાદિત થયેલાં દૂધને પ્રોસેસ કરવાથી આગામી ૧૦ વર્ષમાં લગભગ ૩૦ લાખ લોકોને રોજગારીની તકો પૂરી પડી શકાશે.