દિલ્હી-

કોરોના મહામારીની બીજી લહેર હજુ સુધી સંપૂર્ણપણે ખતમ પણ નથી થઈ કે બ્લેક ફંગસ નામની નવી આફત વધી રહી છે. સોમવારે ભારત સરકારના ગ્રુપ ઑફ મિનિસ્ટર્સની બેઠક થઈ. જેમાં કોરોના મહામારી અને તેની રોકથામ માટે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં બધાએ મ્યૂકોરમાઈકોસિસ પર પણ ચિંતા વ્યક્ત કરી. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ડૉ. હર્ષવર્ધને આની સાથે જાેડાયેલી ઘણી મહત્વની માહિતીઓ આપી.

આરોગ્ય મંત્રીના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધી બ્લેક ફંગસના ૫૪૨૪ નવા કેસ સામે આવ્યા છે. આ કેસ ૧૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં છે. આમાંથી ૪૫૫૬ દર્દી એવા છે જે કોરોનાથી રિકવર થઈ ચૂક્યા છે. સાથેજ ૫૫ ટકા દર્દીઓને ડાયાબિટીઝ હતો. હાલમાં ગુજરાત સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે જ્યાં ૨૧૬૫ કેસ સામે આવ્યા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૧૧૮૮, ઉત્તર પ્રદેશમાં ૬૬૩, મધ્ય પ્રદેશમાં ૫૧૯, હરિયાણામાં ૩૩૯, આંધ્ર પ્રદેશમાં ૨૪૮ કેસ નોંધવામાં આવ્યા છે.કોરોના પર આરોગ્ય મંત્રીએ કહ્યુ કે દેશના ૧૬ રાજ્યોમાં પૉઝિટિવિટી રેટ ઘણો વધુ છે. આ રાજ્ય છે - કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ગોવા, મણિપુર, પુડુચેરી, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, સિક્કિમ અને લક્ષદ્વીપ. વળી, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૫૪ દૂર્ભાગ્યપૂર્ણ મોત થયા જેમાં સૌથી વધુ ૧૩૨૦ મોત મહારાષ્ટ્રમાં થયા. ત્યારબાદ કર્ણાટકમાં ૬૨૪, તમિલનાડુમાં ૪૨૨ અને ઉત્તર પ્રદેશમાં ૨૩૧ મોત નોંધવામાં આવ્યા છે.

ગુજરાતમાં કોરોના મહામારી ધીરે-ધીરે ઓછી થઈ રહી છે તો હવે નવી એક મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કોરોના થયા બાદ દર્દીમાં થતી મ્યુકોરમાઇકોસિસની બીમારીમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સિવિલમાં ૫૦૦થી વધુ દર્દીઓ દાખલ છે. ત્યારે છેલ્લા ૩-૪ દિવસમાંથી સિવિલમાં સવારની સાથે રાત્રે પણ દર્દીઓની સર્જરી કરવાનું શરૂ કરાયું છે. દરરોજ અંદાજે ૩૦થી વધુ દર્દીઓની સર્જરી કરવામાં આવે છે, સાથે જ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ ઈન્જેક્શન માટે પણ તડપી રહ્યા છે. એક-એક ઈન્જેક્શન માટે દર્દીનાં સગાં કલાકો સુધી હોસ્પિટલની બહાર બેસી રહે છે.

રાજ્યમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. થોડા સમય પહેલાં સિવિલમાં દરરોજ ૨૦થી ૨૨ લોકોની સર્જરી થતી હતી, જે વધીને હવે ૩૦થી વધુ થઈ ગઈ છે, સાથે જ દર્દીઓની સંખ્યામાં સતત વધારાને કારણે એક નવો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે હવે સિવિલમાં મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના કુલ ૯ વોર્ડ કાર્યરત છે. અમદાવાદ બાદ સૌથી વધુ મ્યુકોરમાઇકોસિસના કેસ રાજકોટમાં છે. અહીં પણ ૫૦૦ની આસપાસ દર્દીઓ દાખલ છે. ત્યાર બાદ વડોદરામાં ૧૮૫ તેમજ સુરતમાં ૧૭૦ની આસપાસ દર્દીઓ દાખલ છે. ગઈકાલે સુરતમાં મ્યુકોરમાઇકોસિસથી ત્રણ દર્દીનાં મોત પણ નીપજ્યાં છે. હાલમાં અમદાવાદ સિવિલમાં ઈએનટીના ડોક્ટર તેમજ આંખના ડોક્ટરો સાથે મળીને દિવસ-રાત દર્દીઓના ઓપરેશન કરી રહ્યા છે.