વડોદરા : દુબઈમાં આઈપીએલ શરૂ થતાં જ ક્રિકેટ ઉપર સટ્ટો રમવાની પ્રવૃત્તિ શહેરમાં મોટાપાયે શરૂ થઈ છે જેમાં યુવાનો પણ મોટા પ્રમાણમાં સંડોવાયેલા હોય છે એવા સમયે પીસીબી શાખાને મળેલી બાતમીના આધારે રેડ કરી કુલ ૩૭,૧૭૦ના મુદ્‌ામાલ સાથે ત્રણને ઝડપી પાડયા હતા. 

વડોદરાના તાંદલજા વિસ્તારમાં મહાબલીપૂરમ્‌ એપાર્ટમેન્ટમાં ટેલર્સની દુકાનની બહાર આઈપીએલની મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ નાઈટર્સ મેચ ઉપર ત્રણ વ્યક્તિઓ સટ્ટો રમાડી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેઓએ પેટ્રોલિંગમાં નીકળેલ પીએસઆઈ એ.ડી.મહંત અને પીએસઆઈ કે.એમ.પટેલને તપાસ કરી કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી, જેના આધારે પેટ્રોલિંગ ટીમે સ્ટાફની મદદ લઈને દરોડો પાડયો હતો. પીસીબીની ટીમે મહાબલીપૂરમ્‌ એપાર્ટમેન્ટની જી-૧૩૪ મુસ્કાન કલેકશન ટેલર્સ નામની દુકાન બહાર આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા મુનાફ હબીબ મેમણ (રહે. જી/૧૩૪, મહાબલીપૂરમ્‌, તાંદલજા), કુસઈ ફઝલ અબ્બાસ રામપુરવાળા (રહે. ૧૧, આસીમ બંગલોઝ, તાહીરા પાર્ક, તાંદલજા) અને સદ્દામહુસેન સાદીકઅલી સૈયદ (રહે. એ/૪૦, નૂરઝા પાર્ક, તાંદલજા)ને ઝડપી પાડયા હતા, જ્યારે ભાવેશ બિપીનભાઈ વ્યાસ (રહે. વિસનગર) અને કરણ (રહે. અમદાવાદ)ને વોન્ટેડ જાહેર કરી તેઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યાં હતા.

પીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરાના સટોડિયાઓ વિસનગરના બુકી ભાવેશ વ્યાસ અને અમદાવાદના કરણ સાથે મળીને સટ્ટો રમતા હતા. પોલીસે દરોડા દરમિયાન રોકડ રૂા.૧૭,૧૭૦, ત્રણ મોબાઈલ ફોન અને હિસાબની સ્લીપો સહિત રૂા.૩૭,૧૭૦નો મુદ્‌ામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગેની ફરિયાદ જે.પી.રોડ પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આઈપીએલ ક્રિકેટ મેચ શરૂ થતાંની સાથે જ શહેરમાં ઠેર ઠેર ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાઈ રહ્યો છે. કેટલાક સટોડિયાઓ ખેલાડીઓ નક્કી કરીને સટ્ટો રમી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

-------------

‘’