ગાંધીનગર-

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સાર્વત્રિક મહેર વરસાવી હતી. દક્ષિણ ગુજરાતના ૨૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો હતો. વલસાડમાં ૬ ઈંચ વરસાદ ખાબકયો હતો. આ ઉપરાંત પારડી, કામરેજ, ગણદેવી અને ચીખલીમાં ૪-૪ ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, વાપી, સુરત, નવસારી અને ખેરગામમાં ૨-૨ ઈંચ વરસાદ નોંધાયો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાન સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં જલાલપોરમાં ૪ કલાકમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાય ગયા છે. હવામાન વિભાગ દ્વારા વલસાડ અને નવસારીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે સવારથી નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબક્્યો છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સાથે નવસારીમાં પણ ૪ કલાકમાં ૨ ઈંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાય ગયા છે. નવસારી શહેર અને જલાલપોર તાલુકા મોડી રાતથી ધાધમાર વરસાદના આગમન સાથે અવિરત વરસાદ ખાબકતાં નવસારી- વિજલપોર શહેરમાં મુખ્ય માર્ગો તથા અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહચાલકો અને નોકરિયાત લોકોને હાલાકી પડી છે. નવસારી જિલ્લામાં વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે સમયસર વરસાદનું આગમન થતા ખેડૂતો વાવણી તરફ જાેતરાયા છે.