વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. છેલ્લાં બે મહિનાથી કોરોનાની સેકન્ડ વેવે હાહાકાર મચાવ્યો છે. ત્યારે વિતેલા છેલ્લા ર૪ કલાકમાં શહેર ભાજપ વોર્ડ નં.૪ના વોર્ડ પ્રમુખ સહિત ૨૬૬ લોકોનાં મોત થયાં છે. જાે કે, તંત્ર દ્વારા વધુ ૯ વ્યક્તિના મોત સાથે અત્યાર સુધી કોરોનાથી સત્તાવાર ૪૦૧ લોકોના મોત થયા હોવાનું જણાવ્યું છે. જ્યારે વધુ ૮૯૧નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, સાથે સાથે વડોદરામાં એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. જાે કે, આજે સંપૂર્ણ સ્વસ્થ થયેલા વધુ ૬૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હતા.

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાની સેકન્ડ વેવના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. કોરોનાનો કહેર સતત વધતાં પરિસ્થિતિ કાબૂ બહાર થઈ રહી છે. પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડ મેળવવા, રેમડેસિવિર ઈન્જેકશનો મેળવવા સહિત માટે દર્દીઓ અને સ્વજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ભાજપાના વોર્ડ પ્રમુખ, બોડીબિલ્ડર સહિત ૨૬૬ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે ર૪ કલાકમાં કોરોનાના ટેસ્ટ માટે લેવામાં આવેલા ૧૦,૨૪૭ સેમ્પલો પૈકી ૮૯૧ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આમ પોઝિટિવ કેસોની સંખ્યા પણ સતત વધીને ૯૦૦ને નજીક પહોંચી છે. જ્યારે ગઈકાલની સરખામણીમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૮૮૩૪ થઈ છે, જે પૈકી ૫૭૧ દર્દીઓ ઓક્સિજન ઉપર અને ૩૬૫ દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે.જ્યારે આજે સંપૂર્ણ સ્વસ્થ થતા વધુ ૬૪૭ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ ૩૭,૬૭૭ લોકો કોરોનાને મ્હાત આપી ચૂકયા છે. જ્યારે હોમ ક્વોરન્ટાઈન દર્દીઓની સંખ્યા આજે ઘટીને ૯૭૭૭ થઈ છે. વડોદરા શહેર-જિલ્લામાં પોઝિટિવ આવેલા ૪૬,૭૧૨ દર્દીઓ પૈકી સૌથી વધુ ૧૫,૫૭૩ દર્દીઓ ગ્રામ્ય વિસ્તારના અને પૂર્વ ઝોનમાં ૬૭૯૧, પશ્ચિમ ઝોનમાં ૭૯૪૧, ઉત્તર ઝોનમાં ૮૩૯૧ અને દક્ષિણ ઝોનમાં ૭૯૮૦, જ્યારે શહેર અને રાજ્ય બહારના ૩૬ કેસ નોંધાયા છે.શહેરમાં ધન્વંતરિ રથ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં તાવના ૬૮ અને શરદી, ખાંસીના ૧૯૭ દર્દીઓ જણાઈ આવતાં સ્થળ પર દવા આપવામાં આવી હતી. આમ, કોરોનાના કહેર વચ્ચે સતત પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે અને શહેરના તમામ સ્મશાનગૃહોમાં પણ અંતિમસંસ્કાર માટે મૃતકોના સ્વજનોને રાહ જાેવી પડી રહી છે.

ઓક્સિજનના ડીલર્સ સાથે બેઠક યોજાઈ

વડોદરા. પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં ઓક્સિજનનો વ્યવસાય કરતા વિક્રેતાઓ, રિફિલર્સ અને ડીલરો સાથે આજે સવારે બેઠક યોજી હતી. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક ડો. સુધીર દેસાઈ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં વ્યક્તિગત દવાખાનાઓ દ્વારા ઓક્સિજનની સંગ્રહખોરીની શક્યતા ટાળવાના વિકલ્પો અને તાકીદના ધોરણે કોઈ દવાખાનામાંથી અછતના સંદેશ મળે તો તેના નિરાકરણના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી.

કયા વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા

શહેર વિસ્તારો પૈકી અટલાદરા, જેતલપુર, અકોટા, સમા, સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ફતેગંજ, નિઝામપુરા, હરણી, આજવા રોડ, કિશનવાડી, વાઘોડિયા રોડ, બાપોદ, તાંદલજા, પાણીગેટ, ફતેપુરા, યાકુતપુરા, દંતેશ્વર, કપુરાઈ, તરસાલી, મકરપુરા, માંજલપુર, વડસર, શિયાબાગ, રાવપુરા, યમુના મિલ, નાગરવાડા, કારેલીબાગ, નવી ધરતીનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યમાં ડભોઈ, પાદરા, કરજણ, વેમાલી, પોર, ગોરજ, દશરથ, ભાયલી, કરોડિયા, બાજવા, ભીલાપુર, કોયલી, અનગઢ, કરચિયા, ટુંડાવ, વેજપુર, મેવલી, મોભા, રાજુપુરા, ઊંડેરા, રણોલી, ઈટોલા, આલમગીર, કરખડી, ગવાસદ, કેલનપુર, જલાલપુર, અહલાદપુર, વાઘોડિયા, માડોઘર, વડુ, વાંકાનેર, સાંઢાસાલ, પાંડુ, ભાદરવા, વરણામા, પીંપપા, મુવાલ અને જીથરડીનો સમાવેશ થાય છે.

૨૧૦ હોસ્પિટલોને ૧૧૨૫ રેમડેસિવિર ડોઝ ફાળવાયા

નોડલ અધિકારીઓની દેખરેખ હેઠળ કોવિડના દર્દીઓની સારવારમાં ઉપયોગી રેમડેસિવિર ઈન્જેકશનની માન્ય ખાતગી હોસ્પિટલોને ફાળવણી કરવામાં આવી રહી છે. આ અંગે જાણકારી આપતાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી અને નોડલ અધિકારી આર.બી.ત્રિવેદીએ જણાવ્યું કે આજે ૨૧૦ હોસ્પિટલોને ૧૧૨૫ ડોઝ ફાળવવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ ૪૧,૯૯૧ ડોઝ ફાળવી દેવાયા છે.

એઈમ્સ કંપની અટલાદરા કોવિડ હોસ્પિટલ પાસે ઓક્સિજન રિફિલિંગ સ્ટેશન શરૂ કરશે

વડોદરામાં ઓક્સિજનની વ્યવસ્થાનો સુચારૂ બનાવવા માટે ઓએસડી ડો.રાવે સાવલી,કરજણ અને પાદરા તાલુકાની ઓક્સિજન સુવિધાઓનું જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ અધિક્ષક સાથે નિરીક્ષણ અને પરામર્શ કરી, રિફિલિંગ અને પરિવહન ના નેટવર્ક ને મજબૂત કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. તેના ભાગ રૂપે રાત્રે છેલ્લે પાદરા તાલુકાના ગવાસદ ગામે એઇમ્સ ઓક્સિજન ની મુલાકાત લીધી હતી. આ એકમનો પ્લાન્ટ ખૂબ ક્ષતિગ્રસ્ત હોવાથી ઉત્પાદન શક્ય નથી.તેના વિકલ્પે હાલ આ કંપની શક્તિ એજન્સી અને એર લીકવીડ પાસે થી દૈનિક ૧૫ ટન જેટલો ઓક્સિજન મેળવી સિલિન્ડરોનું રીફિલીંગ કરે છે. તેના સંચાલકો સાથે કંપની દ્વારા અટલાદરા ની સત્સંગ સ્થળ હોસ્પિટલ નજીક નવલખી મેદાન જેવી રીફિલીંગ સુવિધા ઊભી કરવા અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો.જેને માટે કંપની સંમત થઈ છે. આ સુવિધા નજીકની હોસ્પિટલો ને ઓક્સિજન મેળવવાની સરળતા ની સાથે તેની કટોકટી નિવારવામાં મદદરૂપ બની શકે છે. મોડી રાત્રે જી.એમ.ઈ.આર.એસ.,ગોત્રી ની કોવિડ સારવાર સુવિધાના વિસ્તરણ રૂપે સ્થાપિત ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટર એટલે કે કોવિડ તાત્કાલિક સારવાર કેન્દ્રનો, ૧૨ દર્દીઓને દાખલ કરીને ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.

સરકારે વધુ ૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સો શહેર-જિલ્લાને ફાળવી

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાનું વાવાઝોડું ફૂંકાઇ રહ્યું છે તેવા સમયે સંખ્યાબંધ કોરોના સંક્રમિતના દર્દીઓ સારવાર માટે હોસ્પિટલોમાં આવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સને કોલ કરી રહ્યા છે. એક અંદાજ પ્રમાણે રોજના દોઢસોથી વધુ દર્દીઓના કોલ મળતા હોવાથી કેટલીક વખત દર્દીઓને લેવા જવામાં વિલંબ થતો હતો, જે અંગેની રજૂઆત કરવામાં આવતાં રાજ્ય સરકારે કોરોનાની પરિસ્થિતિને જાેઈને વડોદરા શહેર-જિલ્લાને વધુ ૧૦ ૧૦૮ એમ્બ્યુલન્સ ફાળવી આપવામાં આવી છે અને આ એમ્બ્યુલન્સો આજે શહેરની સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી અને આજથી જ કોરોનાના દર્દીઓની સેવામાં કાર્યરત કરવામાં આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સના પ્રોજેક્ટ મેનેજર નિલેશભાઈએ એક વાતચીતમાં જણાવ્યું હતું આ નવી ૧૦ એમ્બ્યુલન્સ માત્ર કોરોનાના દર્દીઓની સેવામાં ઉપયોગ કરવામાં આવશે એમ વધુમાં જણાવ્યું હતું.