વડોદરા

વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરવાની આવતીકાલે છેલ્લો દિવસ છે. ગુરુવારે સાંજે ભાજપે તેના ઉમેદવારોના નામો જાહેર કરતાં આજે વિવિધ બેઠકોની ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ઉમેદવારીપત્રો ભરવા માટે ભારે ભીડ ઉમટી હતી. આજે વધુ ૭૪ ઉમેદવારીપત્રો સાથે અત્યાર સુધીમાં ૮૪ ઉમેદવારીપત્રો ભરાયાં છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ઉમેદવારીપત્રો ભરવા ભારે ભીડ ઉમટશે.

વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે આગામી તા.ર૮મી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ ચાર દિવસમાં માત્ર ૧૦ ફોર્મ ભરાયાં હતાં.

ગઈકાલે સાંજે ભાજપા દ્વારા તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસે તેના ઉમેદવારોની યાદી જાહેર કરવાને બદલે ફોન કરીને ફોર્મ ભરવા સૂચના આપી હોવાનું જાણવા મળે છે. આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે તે પૂર્વે આજે જિલ્લા પંચાયતના વિવિધ ચૂંટણી અધિકારીઓની કચેરીમાં ફોર્મ ભરવા ઉમેદવારોની ભારે ભીડ જામી હતી. જ્યારે ચૂંટણી અધિકારીની કચેરી બહાર કાર્યકરો-સમર્થકોના ટોળેટોળા ઉમટયા હતા.

આજે જિલ્લા પંચાયતની વિવિધ બેઠકો પર ૭૪ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં. જાે કે, હજુ છ બેઠકો પર અત્યાર સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. આવતીકાલે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ઉમેદવારીપત્રો ભરવા માટે ઉમેદવારો અને તેમના કાર્યકરો, સમર્થકોની ભારે ભીડ જામશે. જ્યારે ૮ તાલુકા પંચાયતોની ૧૬૮ બેઠકો પર અત્યાર સુધી ૩૭૨ ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.