આણંદ, તા. ૪ 

આણંદ શહેરમાં ચાર સહિત આજે જિલ્લામાં વધુ ૯ પોઝિટિવ કેસો નોંધાયા હતાં. આણંદ જિલ્લામાં છેલ્લાં કેટલાંક દિવસોથી સરેરાશ દશ કોરોના પોઝિટિવ કેસો આવી રહ્યાં છે. એક સમય હતો જ્યારે એવું લાગતું હતું કે, આણંદ જિલ્લો ગ્રીનઝોન બનવા જઈ રહ્યો છે.

આજે આવેલાં વધું નવ કેસને લઈને આરોગ્ય, પોલીસ અને પાલિકાની ટીમો દોડતી થઈ હતી. અનલોકમાં ધીમે ધીમે બધું ખુલી રહ્યું ચે ત્યારે સંક્રમણ વધુ વકરે તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. આજે આવેલાં પોઝિટિવ કેસમાં આણંદની શ્રેયસનગર સોસાયટીની નજીક એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ પાસે રહેતાં ૪૧ વર્ષના પુરુષ, જીઇબી પાછળ આવેલી શ્રેયસનગર સોસાયટીમાં રહેતાં ૪૧ વર્ષના પુરુષ, નવાં બસસ્ટેન્ડ પાછળ આવેલી ગજાનંદ સોસાયટીમાં રહેતાં ૪૯ વર્ષના મહિલા, સત્તાવીસ ગામ સ્કૂલની પાછળ આવેલાં રાધાસ્વામી બંગલોઝમાં રહેતાં ૫૮ વર્ષના પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત બોરસદના બ્રાહ્મણવાડો સ્થિત વકિલના ફળિયામાં રહેતાં ૭૮ વર્ષના વૃદ્ધ, સોજિત્રા તાલુકાના દેવા તળપદ ગામે આવેલી ત્રિકમદાસની ખડકીમાં રહેતાં ૬૭ વર્ષનાં મહિલા, ખંભાત તાલુકાના રાલજ ગામે મહાદેવવાળા ફળિયામાં રહેતાંં ૫૦ વર્ષના પુરુષ, ખંભાતના નાયાબ મહોલ્લામાં રહેતાં ૨૮ વર્ષના મહિલા અને આંકલાવ તાલુકાના આસોદર ગામે આવેલાં ઊંડા ફળિયામાં રહેતાં ૫૪ વર્ષના પુરુષનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રોના જણાવ્યાં મુજબ, ૯ પૈકી ૫ દર્દીઓને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ, એકને બોરસદની અંજલિ હોસ્પિટલ, ત્રણને યુનિટી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. હાલ પાંચ દર્દીને ઓક્સિજન પર રખાયાં છે, જ્યારે ચારની હાલત સ્ટેબલ છે.  

હવે શું થશે? : આજથી જિમ પણ ખુલી રહ્યાં છે!

આવતીકાલથી અનલોક-૩માં બાકી હતું તો જિમ અને યોગની સંસ્થાઓને પણ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાત્રી કફ્ર્યુ પણ હટાવી લેવામાં આવ્યો છે. સંક્રમણ વધુ ફેલાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આણંદ જિલ્લાના શહેરી વિસ્તારો બાદ હવે કોરોનાએ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પગપેસારો કર્યો છે. ગામડાંઓમાંથી પણ કોરોના પોઝિટિવ દર્દીઓ આવી રહ્યાં છે, જે ચિંતાનો વિષય છે.

કોરોનાએ બૂલેટ ગતિ પકડી : રોજેરોજ ડબલ ફિગરમાં પોઝિટિવ કેસ

જિલ્લામાં હવે રોજેરોજ ડબલ ફિગરમાં પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. પરિણામે તહેવારોની મોસમ વચ્ચે લોકોમાં ચિંતાના વાદળો ઘેરાયાં છે. અનલોક-૧ અને અનલોક-૨માં કોરોનાનું સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું હતું ત્યારે આજથી અનલોક-૩ શરૂ થયું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસો હજુ વધુ કપરાં જાેવાં મળશે. જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તકેદારી માટે ગાઇડલાઇન હોવા છતાં લોકો તેનો અમલ કરતાં નથી. આજે નવાં આવેલાં કેસ બાદ આરોગ્ય વિભાગ અને નગરપાલિકાની ટુકડીઓ દ્વારા વિવિધ વિસ્તારમાં સેનિટાઇઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યાં કેસ નોંધાયા હતાં એ વિસ્તારને સીલ કરી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવાની પ્રોસેસ હાથ ધરાઈ હતી.