વડોદરા : દિવાળીના તહેવારો બાદ અમદાવાદમાં કોરોનાના દર્દીઓમાં જે વિસ્ફોટ થયો તે સ્થિતિ જાેતાં વડોદરા શહેરમાં પણ નગરવાસીઓ કોરોનાના વિકરાળ પંજાે ફેલાવવાની દહેશતથી ભયભીત થઈ ઊઠયા છે અને ચોરે અને ચૌટે કોરોનાના કેસો વધવાની ચર્ચાનો વિષય બન્યો છે.  

આ સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નગરવાસીઓને ગભરાવવાની જરૂર નથી તેમ જણાવી રહ્યા છે અને કોરોનાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવાના સારવારના સાધનો અને હોસ્પિટલોમાં બેડની સુવિધા પૂરતી ઉપલબ્ધ હોવાનું જણાવી રહ્યા છે અને કોરોનાની સ્થિતિ હાલના તબક્કે શહેરમાં નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં દર્દીઓની વિસ્ફોટ સ્થિતિ વચ્ચે આજે વડોદરા શહેરમાં પોઝિટિવ કેસ ૯૮ સામે આવ્યા હતા.  

સપ્ટેમ્બરના મધ્યથી કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયા બાદ ફરી એકવાર આ મહિનામાં દિવાળીના તહેવારોની ઉજવણી પહેલાં ઉછાળો નોંધાયો છે પરંતુ સત્તાધીશોની આંકડાની માયાજાળમાં કોરોનાનો સાચો આંકડો જણાવવામાં આવતો નથી. નવા કેસોની સાથે કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. તેમ છતાં સ્થાનિક શહેર-જિલ્લાના વહીવટી સત્તાધીશો દ્વારા આજે કોરોના પોઝિટિવ માત્ર ૯૮ કેસો જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦૫ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આજના ડિસ્ચાર્જ દર્દીઓઓની સાથે ડિસ્ચાર્જ દર્દીઓની કુલ સંખ્યા ૧૫,૫૮૮ થઈ હતી.

આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વિતેલા કલાકોમાં શહેર-જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ૩૩૧૧ શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાં ૩૨૧૩ વ્યક્તિઓના કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનામાં એક પણ દર્દીનું મોત જાહેર કરવામાં આવતાં આજે કુલ મૃત્યુઆંક ૨૧૭ પર થયો હતો. જ્યારે હાલના તબક્કે શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૧૩૫ દર્દીઓમાં ૧૬૦ દર્દીઓ ઓક્સિજન પર, ૫૬ વેન્ટિલેટર પર અને ૯૧૯ દર્દીઓની તબિયત સુધારા પર હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમોએ શહેરના બાપોદ, ગોત્રી, ફતેગંજ, તરસાલી, વારસિયા, દંતેશ્વર, સલાટવાડા, વાસણા-ભાયલી રોડ, એકતાનગર, કારેલીબાગ, વીઆઈપી રોડ, આજવા રોડ, સુભાનપુરા, તાંદલજા, માણેજા, બાપોદ સહિતના વિસ્તારો અને ગ્રામ્યના સાવલી, પાદરા, ડેસર, જરોદ, કલાલી, ડભોઈ, કરજણ અને વાઘોડિયા સહિતના વિસ્તારોમાંથી ૩૩૧૧ વ્યક્તિઓના શંકાસ્પદ કોરોનાના સેમ્પલો લેવામાં આવ્યા હતા જેમાં ૩૨૧૩ વ્યક્તિના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૯૮ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. જેમાં વડોદરા ગ્રામ્યમાંથી સૌથી વધુ ૪૦ કેસ નોંધાયા હતા. જ્યારે શહેરના ચાર ઝોનમાંથી ઉત્તર ઝોનમાં ૧૪, દક્ષિણ ઝોનમાં ૧૬, પશ્ચિમ ઝોનમાં ૧૪ અને પૂર્વ ઝોનમાં ૧૪ કેસ પોઝિટિવ આવ્યા હતા. આ તમામ કોરોનાના દર્દીઓને સારવાર માટે સરકારી અને ખાનગી કોવિડ-૧૯ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલાકને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું તબીબીસૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરની ઓપીડીમાં લોકોનો ભારે ધસારો ઃ લાંબી લાઈનો લાગી

કોરોનાની મહામારી વચ્ચે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી અને સામાન્ય શરદી, ખાંસી, તાવ, અશક્તિ તેમજ શરીરના સાંધા, દુઃખાવાની અસર અનુભવતી વ્યક્તિઓ કોરોનાના ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. લોકોના ધસારાને પગલે સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરની ઓપીડીમાં કોરોનાના ટેસ્ટ માટે લાંબી લાઈનો જાેવા મળી હતી, જ્યાં તમામનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો હતો. હાલ સયાજી હોસ્પિટલમાં ૧૪૦ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ હોવાનું કોવિડ સેન્ટરના વહીવટી નોડલ અધિકારી તબીબ ડો. બેલિમે જણાવ્યું હતું.

જીએસએફસી કંપનીમાં કોરોના સંક્રમિત થવાનો સિલસિલો યથાવત્‌ ઃ વધુ ૧૦ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં ઈન્સ્ટ્રુમેન્ટ વિભાગ બંધ કરાયો

શહેર-જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ જીએસએફસી કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે અને વિતેલા છેલ્લા ર૪ કલાકમાં કંપનીના અલગ વિભાગમાંથી વધુ ૧૦ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયાનો રિપોર્ટ આવ્યો હતો.આ સાથે કંપનીના કર્મચારીઓની કોરોના સંક્રમિત કર્મચારીઓની સંખ્યા ર૦૦થી વધુ થઈ હતી. આજે વધુ ૧૦ કર્મચારીઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતાં અન્ય કર્મચારીઓ કોરોનાની દહેશતથી ભયભીત થયા છે. આજે આવેલા કોરોના સંક્રમિત કર્મચારીઓમાં ત્રણ મિકેનિક, ત્રણ ઈન્સ્ટ્રુમેન્ટ અને ત્રણ પ્રોડકશન વિભાગના તેમજ એક માર્કેટિંગ વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે. વધુ ૧૦ કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતાં ઈન્સ્ટ્રુમેન્ટ વિભાગ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે.