આણંદ : દિવાળીને હવે માંડ ૧૫ દિવસ બાકી છે ત્યારે આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતંુ નથી. ગઈકાલે વધુ ૮ કોરોના પોઝિટિવ કેસો મળી આવતાં જિલ્લામાં કુલ આંકડો ૧૪૫૧એ પહોંચી ગયો છે. આ સાથે જિલ્લામાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ૧૬નાં મોત નીપજી ચૂક્યાં છે. 

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યાં અનુસાર, ગઈકાલે આણંદના ગણેશ ગેસ્ટહાઉસ પાછળ આવેલાં કરમસદના રેલવે સ્ટેશન પાછળ રહેતી ૪૯ વર્ષની મહિલા, રઘુવીર ટેનામેન્ટમાં રહેતા ૫૭ વર્ષીય આધેડ, આણંદના મહાદેવ એરિયામાં આવેલી શાંતિનિકેતન યોગીરાજ સોસાયટીમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા, બાકરોલની મોટી ખડકીમાં રહેતાં ૬૧ વર્ષીય વૃદ્ધ, મખનવાડામાં રહેતાં ૫૫ વર્ષીય આધેડ, પેટલાદની કોલેજ ચોકડીએ આવેલ બીએસએનએલ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતી ૫૯ વર્ષીય મહિલા, આણંદ શહેરના નવાં બસસ્ટેન્ડ પાછળ આવેલી બાલક્રિશ્ના સોસાયટીમાં રહેતાં ૫૧ વર્ષીય આધેડ, વિદ્યાનગરના રેલવે સ્ટેશન પાસે સંતરામ પાર્ક સોસાયટીમાં રહેતી ૪૦ વર્ષીય મહિલાનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

આ સાથે જ આણંદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં કોવિડ-૧૯ અંતર્ગત ૯૯,૧૦૯ દર્દીઓના સેમ્પલની તપાસણી કરવામાં આવી હતી, જેમાંથી ૯૭,૬૫૮ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે ૧૪૫૧ પોઝિટિવ આવતાં તેઓને વિવિધ હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી હતી. હાલ ૧૩૬૧ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. હાલમાં જિલ્લામાં ૭૪ જેટલાં કોરોના વાઇરસના સક્રિય કેસો છે, જેમાંથી ૬૭ની હાલત સ્થિર છે, ૭ને ઓક્સિજન પર રાખવામાં આવ્યાં છે. એઇમ્સના ડોક્ટરોએ આગામી શિયાળામાં કોરોના વાઇરસનું સંક્રમણ વકરશે, તેવી ચેતવણી આપી છે. બીજી તરફ આજે રાજ્ય સરકાર દ્વારા લગ્ન સમારોહમાં ૨૦૦ માણસો સુધીની હાજરીની છુટછાટ આપી છે, જેનો આવતીકાલથી અમલ શરૂ થઈ જશે. શિયાળામાં એનઆરઆઇ સહિતનાં લગ્નોની સીઝન આવશે, જેમાં આપેલી વધુ છુટછાટને લઈને કોરોના વાઇરસ વધુ વકરશે તેમ કહેવાઈ રહ્યું છે.

અનલોક-૩ બાદ જિલ્લામાં લોકો હવે કોરોના વાયરસથી નિશ્ચિત બનીને જીવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. સરકાર દ્વારા બહાર નીકળતી વખતે ફરજિયાતપણે મોંઢા ઉપર માસ્ક પહેરવું, સેનિટાઇઝ કરવું તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ચેતવણી આપવામાં આવે છે. તેમ છતાં પણ તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવતંુ નથી. દિવાળી હવે નજીક આવતી જાય છે ત્યારે બજારમાં લોકોની ખરીદી અર્થે ભીડ ઉમટતી જાેવાં મળી રહી છે. આ ભીડ કોરોના સ્પ્રેડર ના બને તે માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે.