ગાંધીનગર : વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૩૯૯ માઈક્રો સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) એકમોની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. જેમાંથી ૨૫૮ એકમોને કેપિટલ સહાય યોજના હેઠળ રૂ. ૨૬૯૨.૭૪ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનું રાજ્યના મુખ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું. ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન સવાલ કર્યો હતો કે, તા. ૩૧-૧૨-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ અંતર્ગત કેપિટલ સહાય યોજના હેઠળ માઈક્રો સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) એકમોની અરજીઓને મંજૂર કરવામાં આવી હતી? અને ઉક્ત સ્થિતિએ કેટલા એકમોને કેટલી રકમની સહાય ચુકવવામાં આવી હતી? ધારાસભ્ય શૈલેશ મહેતાના સવાલના જવાબમાં મુખ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપીને જણાવ્યું હતું કે, ઉક્ત સ્થિતિએ વડોદરા જિલ્લામાં માઈક્રો સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) એકમોની ૩૯૯ અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી ૨૫૮ એકમોને કેપિટલ સહાય યોજના હેઠળ રૂ. ૨૬૯૨.૭૪ લાખની રકમની સહાય ચૂકવવામાં આવી છે.