વડોદરા : ચૂંટણીપંચ દ્વારા ફોટોવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કર્યો છે જે અંતર્ગત જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરજણ વિધાનસભા સિવાયના વિધાનસભા મતદાન મથકો પર ખાસ ઝુંબેશ હેઠળ પ્રથમ રવિવારે ૧૮ વર્ષ પૂરાં કરનાર ૪૪૬૭ નવા મતદારોએ નામ નોંધાવવા અરજી કરી છે. 

ભારતીય ચૂંટણીપંચ દ્વારા ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તા.૧ જાન્યુઆરી, ૨૦૨૧ની લાયકાત સંદર્ભે ફોટોવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારયાદી સુધારણા કાર્યક્રમ સંબંધે ખાસ ઝુંબેશ પણ યોજવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મંજૂર કરવામાં આવેલ સુધારણા કાર્યક્રમ મુજબ હક્ક-દાવાઓ અને વાંધાઅરજીઓ સ્વીકારવાનો સમયગાળો તા.૯ નવેમ્બરથી તા.૧પ ડિસેમ્બર નિયત કરવામાં આવ્યા છે. સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.૯ નવેમ્બરના રોજ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે શહેર અને જિલ્લાના લોકોને આગામી ચાર રવિવારે એમના ઘર નજીકના મતદાન મથકની મુલાકાત લઈને મતદારયાદીમાં નામ દાખલ કરવા સહિતની સેવાઓનો લાભ લેવા અનુરોધ કર્યો છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.પી.જાેશીએ આ અંગે જણાવ્યું હતું કે, જિલ્લાના કરજણ સિવાયના વિધાનસભા મત વિભાગોમાં તા.૯ નવેમ્બરના રોજથી શરૂ થનાર મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા.રર, તા.ર૯ નવેમ્બર, તા.૬ ડિસેમ્બર અને તા.૧૩ ડિસેમ્બરના દિવસોએ ખાસ ઝુંબેશ યોજવામાં આવનાર છે.

ત્યારે પ્રથમ રવિવારે નામ નોંધાવવા માટે ૬૯૭૬ અરજીઓ પૈકી ૧૮ વર્ષ પૂરાં કરનાર ૪૪૬૭ નવા મતદારોએ અરજી કરી છે. જ્યારે નામ કમી કરાવવા માટે ૧૮૧૯, નામમાં સુધારા-વધારા કરવા માટે નિયત ફોર્મ-૮ ૨૨૩૫ લોકોએ ભર્યાં છે. જ્યારે એક વિધાનસભા ક્ષેત્રમાંથી બીજા વિધાનસભા ક્ષેત્રમાં ટ્રાન્સફર થયા હોય તેવી ૮૬૩ અરજીઓ આવી હોવાનું જાણવા મળે છે. આમ, મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત પ્રથમ રવિવારે ખાસ ઝુંબેશમાં ૧૦ હજારથી વધુ લોકોએ જરૂરી ફોર્મ ભરી અરજી કરી છે.