વડોદરા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણદિને આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પ્રાર્થનાસભા અને રેંટિયો કાંતવાનો કાર્યક્રમ યોજાયો હતો. ગોવિંદરાવ મધ્યવર્તી શાળા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ધો.૧ થી ૮ના શિક્ષકો પૈકી ૭૩ શિક્ષકોએ રેંટિયો કાંતીને ગાંધીજીને અંજલિ અર્પણ કરવામાં આવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પૂ. બાપુનો ૭૩મો નિર્વાણદિન હોવાથી ૭૩ શિક્ષકોએ રેંટિયો કાંતીને દર અઠવાડિયે એક દિવસ ખાદી પહેરવાના શપથ લીધા હતા. રેંટિયો કાંતવાના આ કાર્યક્રમમાં જાેડાયેલા તમામ શિક્ષકોને બાપુની આત્મકથા સત્યના પ્રયોગો ભેટમાં આપી હતી.

શિક્ષકોએ ગ્રામોદ્યોગમાંથી નવા રેંટિયા ખરીદ્યા હતા અને આ કાર્યક્રમમાં સામેલ થયા હતા. શિક્ષકોનું કહેવું છે કે રેંટિયો કાંતવો એ ધીરજનું કામ છે, રેંટિયા પર કાંતણ કરવાથી એકાગ્રતા અને સ્થિરતા આવે છે. ગાંધીજીએ ઘરે ઘરે લોકોને રેંટિયો કાંતતા કરી ખાદી પહેરતા કરી પોતાનો રોટલો જાતે કમાતા કર્યા હતા. હાલ કોરોનાની ગાઈડલાઈન મુજબ ધો.૧ થી ૮ના વર્ગો હજુ શરૂ થયા નથી, એટલે આજના આ કાર્યક્રમમાં દર વર્ષની જેમ વિદ્યાર્થીઓને બોલાવ્યા ન હતા.