ભુજ, કચ્છ જિલ્લામાં આજે વરસાદી માહોલ વચ્ચે પૂર્વ કચ્છના વિસ્તારોમાં લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો. બપોરના પોણા ચાર વાગ્યાના અરસામાં ૪.૨ તીવ્રતાનો જાેરદાર આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.આંચકાનું કેંદ્ર બિંદુ ભચાઉ નજીક નોંધાયું છે.કચ્છમાં ૨૦૦૧ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ દિન સુધી અવિરત રહેવા પામ્યો છે. આજે શુક્રવાર મધ્યાહને ૩.૪૫ કલાકે ૪.૨ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી ભચાઉ , ગાંધીધામ અને દુધઈ પંથક સુધી ધરા ધુજી ઊઠી હતી.કચ્છમાં અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે તેના વચ્ચે પૂર્વ કચ્છમાં આજે આવેલા આંચકાથી લોકો ગભરાઈ ઉઠ્‌યા હતા. અને શહેર તથા ગ્રામ્ય વિસ્તારની બજારો અને ઘરોમાંથી લોકો સજાગ બની ગયા હતા. ભચાઉ અને ગાંધીધામ ક્ષેત્રમાં ઘરે આરામ કરતા લોકો સફાળા બેઠા થઈ ગયા હતા. અને ભારે ઝણઝણાટી થતા બહાર તરફ દોડ્યા હતા. આંચકના પગલે હજુ સુધી કોઈ જગ્યાએથી નુક્શાનીના હેવાલ સાંપડ્યા નથી.