ગાંધીનગર-

નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના વિદ્યાર્ર્થીઓને સ્થાનિક કક્ષાએ ગુણવત્તાયુકત શિક્ષણ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારે પોતાની નીતિમાં વર્તમાન જરૂરિયાત મુજબ ફેરફાર કર્યો હતો. એક સમય ગુજરાતમાં માત્ર નવ યુનિવર્સિટીઓ હતી જયારે આજે કુલ ૬૭ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ કાર્યરત છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની સિલ્વર જયુબિલીની ઉજવણી પ્રસંગે વીડિયો કોન્ફરન્સ દ્વારા ગાંધીનગરથી જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીની સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્ત્।ે નિરમા યુનિવર્સિટી અમદાવાદ ખાતે સિલ્વર જયુબિલીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નિરમા યુનિવર્સિટીના સ્થાપક-અધ્યક્ષ અને પદ્મશ્રી કરશનભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

મુખ્યમંત્રી નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના ૩ ઓકટોબરે આજે ૨૬મા સ્થાપના દિવસ નિમિત્ત્।ે ઉપસ્થિત સૌને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, અગાઉ ગુજરાતના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહાર જવું પડતું હતું, તે સમયે ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ યુનિવર્સિટી અને કોલેજોને પ્રોત્સાહન આપવામાં આવતું ન હતું. પરંતુ વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને રાજય સરકારે તે નીતિમાં બદલાવ કરીને હવે ગુજરાતમાં મેડીકલ, એન્જિનિયરીંગ, મેનેજમેન્ટ જેવી ફેકલ્ટીમાં કોલેજ અને યુનિવર્સિટીઓને સેલ્ફ ફાયનાન્સ તરીકે મંજૂરી આપવામાં આવી છે. જેના પરિણામે આજથી ૨૫ વર્ષ પહેલા નિરમા ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીનો પ્રારંભ થયો હતો. શિક્ષણલક્ષી નીતિના પરિણામે ગુજરાતમાં અગાઉ મેડિકલની ૧૧૦૦ બેઠકો હતી તેમાં વધારો કરીને આજે ૬,૫૦૦ બેઠકો ઉપલબ્ધ કરાવી છે.