અમદાવાદ-

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ મેડીકલ કોલેજોની 677 બેઠકો ખાનગી મેડીકલ કોલેજના મેનેજમેન્ટ ક્વોટામાં ફેરવી દેવાતા તે અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી છે અને બીજા આદેશ સુધી આ બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં ડાઇવર્ટ ન કરવા આદેશ આપ્યો છે. હાઇકોર્ટમાં થયેલી એક જાહેર હિતની અરજીમાં ધારાશાસ્ત્રી કે કોશ્તીએ હાઇકોર્ટને માહિતી આપી હતી કે રાજ્ય સરકારે સંચાલીત મેડીકલ કોલેજ અને ગ્રાન્ટેડ કોલેજની 677 બેઠકો ખાનગી મેડીકલ કોલેજના મેનેજમેન્ટ ક્વોટાની જેમ ધનવાનોને ચરણે ધરી દીધી છે અને તેની ઉચ્ચી ફી ઉઘરાવવામાં આવી છે જેમાં એનઆરઆઇ ક્વોટાનો પણ સમાવેશ કરાયો છે. આ બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં જતા એસટી, એસસી અને આર્થિક તથા સામાજીક રીતે પછાત વર્ગો માટે જે અનામત બેઠકો છે તેને પણ તેનો કવોટો ઘટયો છે. રાજ્ય સરકારના કવોટામાં 5508 ઉપલબ્ધ છે. જેમાં 6 સરકારી કોલેજો અને 8 ગ્રાન્ટેડ કોલેજો, 3 મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત કોલેજ તમામ મળીને 25 કોલેજોની બેઠકો સરકારી બેઠકો તરીકે રહેવી જોઇએ અને તેમાં કોઇ મેનેજમેન્ટ ક્વોટા હોવો જોઇએ નહીં પરંતુ રાજ્ય સરકારે 677 બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં ફેરવી નાખી છે જેને કારણે વિદ્યાર્થીઓને મોટો અન્યાય થયો છે.