સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, હાલોલ : સુરત, ભરૂચ અને અંકલેશ્વરમાં શનિવારે બપોરે ૩.૩૯ મિનિટે ૪.૩ ના ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકા વડોદરાના કેટલાક વિસ્તારોમાં અનુભવાયા હતા. શહેરના ન્યુ વીઆઈપી રોડ સહિત વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાતાં હોવાનો મેસેજ ફેલાતાં અનેક બહુમાળી ઈમારતોમાંથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભૂકંપના આંચકાની વાતને લઈને લોકોમાં દહેશત ફેલાઈ હતી. વડોદરા શહેરના તરસાલી, માંજલપુર, સુભાનપુરા, કારેલીબાગ, વીઆઈપી રોડ સહિત કેટલાક વિસ્તારોમાં લોકોએ હળવા ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. આજના ભૂકંપમાં આચકાએ લોકોને સન ૨૦૦૧ ના ભૂકંપના આચકાની યાદ તાજી થઇ હતી.

ભૂકંપનું કેન્દ્ર પહેલાં ભરૂચથી ૩૬ કિમી દૂર ઝઘડિયાના ધારોલી ગામ નજીક બતાવાયું હતું. જે બાદ નેત્રંગ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા માલપુર ગામ પાસે એપી સેન્ટર બતાવાયું બાદમાં વાલિયા તાલુકાના કનેરાવ ગામ નજીક કેન્દ્ર બિંદુ હોવાનું જણાવાયું હતું. મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી હતી.શનિવારે ૩.૩૯ કલાકે ૪.૩ તીવ્રતાનો ભૂકંપનો ઝાટકો નોંધાયા બાદ ૫.૦૬ કલાકે ૨.૧ ની તીવ્રતા નો આફ્ટરશોક નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભરૂચથી ૪૦ કિમી દૂર નેત્રંગના વડપાન ગામ નજીક રહ્યું હતું. દીપાવલી પર્વ ના માહોલ ની તૈયારી વચ્ચે સુરત શહેર અને જિલ્લામાં આજે બપોરે ૩.૩૯ મિનિટ ના ટકોરે એકાએક જોરદાર ભૂકપના આંચકા આવ્યા હતા. જે આચકા ૩ થી ૪ સેકન્ડ સુધી નોંધાયા હતા. સુરત શહેરના અડાજણ, પાલ, જહાંગીરપુરા, કતારગામ,પાંડેસરા, ઉધના, સિટી લાઇટ, વેસુ સહિત ના તમામ વિસ્તારોમાં ખાસ કરીને હાઇરાઇઝ બિલ્ડિંગમાં અનુભવાયા હતા. શહેર ઉપરાંત બારડોલી. પલસાણા સહિતના જિલ્લાના વિસ્તારોમાં પણ ભૂકંપના આચકાની અસરો જોવા મળી છે.

 ભરૂચ જીલ્લામાં બપોરના ૩ઃ૩૯ વાગ્યે જનજીવન રાબેતામુજબ ચાલી રહ્યું હતું, જે દરમ્યાન અચાનક ધરતીકંપનો ભયંકર આંચકો અનુભવાતા લોકોના પગ નીચેથી જમીન હલવા માંડી હતી. જાણેે મોટી હોનારતની ઘટના સજૉય હોય તેવું પોતાને અનુભવાતા રહીશો પોતાની જાનની સલામતી માટે ઘર-દુકાન-ઓફીસની બહાર દોડી આવ્યા હતા. કાંઠારીયા બાયપાસ પાસે આવેલ સરોવર પાર્ક સોસાયટીના કમ્પાઉન્ડમાં આવેલ આર.સી.સી. રોડ આંશિક રીતે બેસી ગયો હતો. શહેરમાં મોટા મોટા એપાર્ટમેન્ટમાં રહેતાં રહીશોને મોટા ભૂકંપના આંચકા આવ્યા હોવાની બુમોથી લોકો એપાર્ટમેન્ટ બહાર ખુલી જગ્યાએ દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ અને સગાઓ પણ ભારે ચિંતાતુર બન્યા હતા. એકાએક લોકો રોડ તરફ દોડી આવતા રોડ-રસ્તા ઉપર ચાલતો વાહનવ્યવહાર એક સમયે થંભી ગયો હતો. રહીશોમાં ભયનો માહોલ જણાતા પોતાના પરીવારના સભ્યો અને સગા-સબંધીઓને ટેલિફોનીક માધ્યમથી ધરતીકંપના બાબતેે પુછપરછ કરી હતી.

આ ઉપરાંત અંકલેશ્વર માં બપોર ના સમય ૩ ઃ ૩૯ કલાક ના સમયે ધરતીકંપ નો આંચકા એ લોકોને ભયના ઓથા હેઠળ લાવી દીધા હતા. અને કોઈ મોટી કુદરતી હોનારત સર્જાશે તેવા ડર ની સાથે લોકો પોતાના ઘર, ઓફિસ , કે ઉદ્યોગની બહાર દોડી આવ્યા હતા. લોકોએ જણાવ્યુ હતુ કે અંકલેશ્વર પંથકમાં ધરતીકંપ નો આંચકો રહીશો એ અનુભવ્યો છે,પરંતુ સદ્દનસીબે કોઇપણ પ્રકાર ના હોનારત, જાનહાનિ કે નુકસાન થયુ નથી.

હાલોલ શહેર તેમજ તાલુકામાં શનિવારના રોજ બપોરના ૩ઃ૪૨ કલાકના અરસામાં ૩ સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા. જે લોકો એ આંચકા નો અનુભવ કર્યો તેઓએ તાત્કાલીક સોશિયલ મિડીયા પર તેમના દ્વારા અનુભવાયેલ ભૂકંપના આંચકા અંગે પોસ્ટ મુકવામાં આવેલ હતી. શહેરના કેટલાક શહેરીજનો કે જેઓ મકાનના પહેલા બીજા માળ પર જે તે સમયે હતા તેઓએ આંચકાનો અનુભવ કર્યો હતો, જ્યારે તે આંચકો ફક્ત ૩ સેકન્ડનો હોઈ તૈયારીમાં કંઈક સમજાય તે પૂર્વે બંધ થઈ ગયો હતો. જ્યારે હાલોલ તાલુકાના બાસ્કા ગામમાં પણ ઉપરોક્ત સમયે જ લોકોના ઘરોમાં મુકેલા વાસણો પડી ગયા હતા.

સરદાર સરોવર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી એકદમ સુરક્ષિત

સરદાર સરોવર ડેમની ડીઝાઈન અને બાંધકામ રીકટર સ્કેલ મેગ્નીટ્યુડ અનુસાર ૬.૫ ની તીવ્રતા માટે અને ધરતીકંપનું કેંદ્ર સરદાર સરોવર ડેમથી ૧૨ કી.મી.ની ત્રિજ્યામાં હોય તો પણ સલામત રહે તે રીતે કરવામાં આવેલ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે પણ આ જ પ્રકારે ચુસ્ત ધારાધોરણ અપનાવવામાં આવેલ છે.આમ આ ધરતીકંપને કારણે સરદાર સરોવર ડેમ, તેના અન્ય ભાગો તેમજ વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ પણ પ્રકારની વિપરીત અસર અનુભવાયેલ નથી અને ઇજનેરી કૌશલ્યના પ્રતિક સમા આ બન્ને સ્ટ્રકચર્સ સંપૂર્ણપણે સલામત છે.જોકે આ ધરતીકંપનો આંચકો કેવડીયામાં, રાજપીપલા માં અને આજુબાજુના વિસ્તારોમાં લોકોએ અનુભવ્યો છે.

ભૂકંપના કેન્દ્રબિંદુને લઈ તંત્ર અટવાયું

ભૂકંપનું પેહલા કેન્દ્ર ભરૂચથી ૩૬ કિમી દૂર ઝઘડિયાના ધારોલી ગામ નજીક બતાવાયું હતું. જે બાદ નેત્રંગ તાલુકામાં સમાવિષ્ટ થયેલા મોટા માલપુર ગામ પાસે એપી સેન્ટર બતાવાયું બાદ માં વાલિયા તાલુકાના કનેરાવ ગામ નજીક કેન્દ્ર બિંદુ હોવાનું જણાવાયું હતું. મોટા માલપોર ગામે એક પાકા મકાનની દીવાલમાં તિરાડ પડી હતી.

૮૭ મિનિટ બાદ ૨.૧ ની તીવ્રતાનો આફ્ટર શોક

શનિવારે ૩.૩૯ કલાકે ૪.૩ તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો ત્યાર બાદ સાંજના ૫.૦૬ કલાકે ૨.૧ ની તીવ્રતા નો આફ્ટરશોક નોંધાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ ભરૂચથી ૪૦ કિમી દૂર નેત્રંગના વડપાન ગામ નજીક રહ્યું હતું. જેને ૫ગલે પુનઃ લોકો ફફડાટના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. દિવસ દરમ્યાન ભૂકંપ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.