વડોદરા, તા.૧૭ 

મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેતાં આજવા સરોવરમાં પાણીની સપાટી ૨૧૨ ફૂટ સેટ કરવા સવારે આજવાના ૬૨ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ૩૧૫૦ કયુસેક પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાની શરૂઆત કરાઈ હતી. જાે કે, પાણી છોડવા છતાં વિશ્વામિત્રીની સપાટીમાં ઘટાડો જારી રહેતાં તંત્રે રાહત અનુભવી હતી. સાંજે ૬ વાગ્યાની આસપાસ આજવાનું લેવલ ૨૧૨ ફૂટ થતાં ગેટ ફરી ૨૧૨ ફૂટે સેટ કરાયા હતા. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી રવિવારે ૨૪ ફૂટે પહોંચી હતી. જાે કે, ૧૫મી ઓગસ્ટે બપોરે આજવા સરોવરના દરવાજા ૨૧૨ ફૂટે સેટ કરાતાં વિશ્વામિત્રી નદીમાં છોડાતું પાણી બંધ થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો શરૂ થયો હતો. પરંતુ ઉપરવાસમાંથી આજવા સરોવર અને પ્રતાપપુરામાં પાણીની આવક ચાલુ રહેતાં આજવા સરોવરની સપાટી ૨૧૨.૩૦ ફૂટે પહોંચતાં આજે સવારે ૮.૩૦ કલાકે આજવાની સપાટી ૨૧૨ ફૂટ મેન્ટેઈન કરવા ૬૨ દરવાજા ફરી ખોલીને વિશ્વામિત્રી નદીમાં ૩૧૫૦ કયુસેક પાણીનો જથ્થો છોડવાની શરૂઆત કરાઈ હતી. જેના પગલે ફરી વિશ્વામિત્રી નદીની સપાટી વધે તેવી શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવાની સૂચના આપવામાં આવી હતી.જાે કે, આજવામાંથી પાણી છોડવા છતાં ધીમી ગતિએ વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો જારી રહેતાં તંત્રે રાહત અનુભવી હતી. સાંજે ૬ વાગે આજવાની સપાટી ૨૧૨ ફૂટ થતાં ૬૨ દરવાજા ફરી બંધ કરી ૨૧૨ ફૂટે સેટ કરવામાં આવ્યા હતા. સાંજે ૬ વાગે વિશ્વામિત્રી નદીની સપાટી ૧૭.૫૦ ફૂટ નોંધાઈ હતી અને તેમાં ઘટાડો થઈ રહ્યો છે. જાે કે, પ્રતાપપુરામાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે પરંતુ પૂરનું સંકટ હવ નહિવત્‌ છે. જ્યારે ઢાઢર નદીમાં પણ વિશ્વામિત્રી નદીનું પાણી ઝડપથી જઈ રહ્યું હોવાથી તંત્રે રાહત અનુભવી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસથી વરસાદે પણ લગભગ વિરામ પાળ્યો છે. 

વડોદરામાં મોસમના સરેરાશ સામે ૭૮ ટકા વરસાદ થયો

વડોદરા : મેઘરાજાએ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં મોડામોડા જાહેર કરી છે. શ્રાવણ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે બુધવારથી શનિવાર સાંજ સુધી એકધારો વરસાદ વરસતા મોટાભાગના તળાવો, નદી, સરોવર છલોછલ ભરાઇ ગયા છે. વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીની સપાટી એક તબક્કે ૨૪ ફુટે પહોંચતાં પુરની સ્થિતિ સર્જાઇ હતી. પરંતુ વરસાદે વિરામ લેતા લોકોએ રાહત અનુભવી હતી. વડોદરા શહેર જિલ્લામાં ત્રણ દિવસથી સતત વરસેલા વરસાદને પગલે ધરતીપુત્રો ખુશ ખુશાલ થઇ ગયા છે. વડોદરા શહેરમાં વિતેલા ૩૬ કલાકમાં એક ઇંચ વરસાદ થયો હતો જ્યારે અત્યાર સુધી મોસમના સરેરાશ ૧૦૩૫ મીમી વરસાદની સામે ૮૧૧ મીમી એટલે ૭૮.૩૫ ટકા વરસાદ થઇ ગયો છે. ઉપરાંત પાદરા તાલુકામાં ૧૦ ટકા, વાઘોડિયા તાલુકામાં ૬૫ ટકા, ડભોઇમાં ૬૪ ટકા, કરજણમાં ૬૩ ટકા જ્યારે સૌથી ઓછો ૩૮ ટકા વરસાદ ડેસર તાલુકામાં થયો છે.