વડોદરા, તા.૭ 

વારસિયા વિસ્તારમાં આવેલી સોનલ ફુટવેર નામની દુકાનમાં પુમા કંપનીના કોપીરાઈટ અધિકારીએ ગાંધીનગરની સીઆઈડી (ક્રાઈમ)ની ટીમ દ્વારા દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાં બ્રાાન્ડેડ કંપનીના નામે ૭ લાખના બનાવટી પગરખાનો જંગી જથ્થો મળી આવતા આ બનાવની વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે બનાવટી શુઝનો જથ્થો કબજે કરી દુકાનદારની અટકાયત કરી હતી.

ગુડગાવ ખાતે રહેતા કૃષ્ણપાલસીંગ રાજપુત આર એન એ કંપનીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેમની કંપનીને પુમા કંપની સહિત વિવિધ બ્રાન્ડેડ કંપનીના કોપીરાઈટ અને ટ્રેડમાર્કનો દુરપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવા માટે કંપની દ્વારા હક્ક આપેલા છે. તાજેતરમાં તેમને માહિતી મળી હતી કે વારસિયા વિસ્તારમાં સંતકવર કોલોનીમાં આવેલી સોનલ ફુટવેર નામની દુકાનમાં પુમા કંપનીના નામે બનાવટી શુઝ-ચપ્પલોનું વેચાણ થાય છે.

આ વિગતોના પગલે આજે તેમણે ગાંધીનગર ખાતે સીઆઈડી (ક્રાઈમ)ની ટીમ સાથે સોનલ ફુટવેરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી પુમા કંપનીના નામના બનાવટી શુઝ, ચપ્પલોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ-ચપ્પલો વેંચાતા હોવાની જાણ થતાં આ અંગેની વારસિયા પોલીસને જાણ કરાઈ હતી અને વારસિયા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. દરોડા પાડવા આવેલી ટીમે દુકાનમાંથી ૭ લાખની કિંમતના ૭૦૦ જાેડ ડુપ્લીકેટ શુઝ-ચપ્પલની જાેડ કબજે કરી. આ બનાવની ક્રિષ્ણપાલસીંગે વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાનદાર ભરત બુલચંદ સન્મુખાણી (રહે. સંતકવર કોલોની, વારસિયા)ની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. તેની પાસેથી બનાવટી શુઝ-ચપ્પલનો જથ્થો અને એક મોબાઈલ ફોન સહિત ૭.૦૫ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં ભરતે આ બનાવટી શુઝ-ચપ્પલોનો જથ્થો અમદાવાદ સારંગપુર ખાતે આવેલા ચંદવાણી ફુટવેર તથા કાલુપુરની દિવ્યા એન્ટરપ્રાઈઝ પાસેથી મંગાવ્યો હતો.