વડોદરા, તા.૨૭

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓનો આવતીકાલથી પ્રારંભ થશે, જે આગામી ૨૦ એપ્રિલ, ૨૦૨૨ સુધી ચાલુ રહેશે. વડોદરા શહેર જિલ્લાના ૨૪૧ પરીક્ષાસ્થળો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૭૦,૪૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે પરીક્ષા પૂર્વે બેઠક વ્યવસ્થા જાેવા પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ ઉમટી હતી. તો બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તંત્રે પણ તમામ તૈયારી પૂર્ણ કરી છે. તો બીજી તરફ અનેક શાળાઓ દ્વારા પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ફૂલ આપી તેમજ મોં મીઠું કરાવીને સ્વાગત કરવાની તૈયારી કરાઈ છે.

વડોદરા શહેર-જિલ્લાના ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા સંબંધે મુશ્કેલીઓ ન થાય તે માટે ખાસ તકેદારી લેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કલેકટરની સૂચના મુજબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માનસિક સધિયારો મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવા સૂચના આપી હતી. જેના પગલે વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્વે માનસિક તાણ ન અનુભવે, તેમને પૂરતું અને યોગ્ય કાઉન્સેલીંગ મળી રહે તે માટે કલેકટરના માર્ગદર્શન તળે જિલ્લામાં ચાર કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરવામાં આવનાર છે, જે આજથી શરૂ થયા હતા અને ૨૦ એપ્રિલ, ૨૦૨૨ દરમિયાન સવારે ૮ થી સાંજે ૮ વાગ્યા સુધી શરૂ રાખવામાં આવશે.

જ્યારે ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તમામ બેઠક વ્યવસ્થા વિશેની વિગતો વડોદરા જિલ્લા શિક્ષણ કચેરીની વેબસાઇટ જાેવા મળે તેવું ખાસ આયોજન પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

વડોદરા શહેર-જિલ્લામાં ધો.૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ના ૬,૫૩૫ વિદ્યાર્થીઓ માટે ૩૬ બિલ્ડીંગમાં ૩૩૦ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. ધો.૧૨ (સામાન્ય પ્રવાહ)ના ૧૭,૫૨૫ વિદ્યાર્થીઓ માટે ૫૯ બિલ્ડીંગમાં ૫૩૩ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. આમ, ધો.૧૨ના ૯૫ પરીક્ષા સ્થળોના ૮૬૩ બ્લોક પર ૨૪,૦૬૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં ધો.૧૦ના ૪૬,૪૩૪ વિદ્યાર્થીઓ માટે ૧૪૬ બિલ્ડીંગમાં ૧,૫૮૪ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે. આ પરીક્ષામાં સેન્ટ્રલ જેલના ૧૨ વિદ્યાર્થીઓ ધો.૧૦ની અને ૩ કેદીઓ ધો.૧૦ની પરીક્ષા આપશે, તેમના માટે એક-એક એમ કુલ ૨ બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, જિલ્લાના ૨૪૧ પરીક્ષા સ્થળો પર ધો.૧૨ અને ધો.૧૦ના ૭૦,૪૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

ત્યારે આજે વિવિધ શાળાઓ પર પરીક્ષાની બેઠક વ્યવસ્થા જાેવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જાેવા મળી હતી તેમજ વિદ્યાર્થીઓ એકબીજાને પરીક્ષા અંગે શુભેચ્છા આપતાં પણ જાેવા મળ્યા હતા. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તણાવમુક્ત અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તે માટે તમામ તૈયારી પૂરી કરી છે. જ્યારે બીજી તરફ કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ તણાવમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે ફૂલ તેમજ મોં મીઠુ કરાવીને સ્વાગત કરવાની તૈયારી કરી છે.