દિલ્હી-

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 75 માં સ્વતંત્રતા દિવસ પર આઠમી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદ રાષ્ટ્રને સંબોધણ કર્યું હતું. મોદીએ મોટી જાહેરાત કરી છે કે દેશમાં તમામ સૈનિક શાળાઓ છોકરીઓ માટે ખોલવામાં આવશે. આ સાથે જ એમ પણ કહ્યું કે 100 લાખ કરોડથી વધુની યોજના લાખો યુવાનો માટે રોજગારની તકો લઇને આવશે.

મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું, '75મા સ્વતંત્રતા દિવસ પર તમને અને વિશ્વમાં ભારતને પ્રેમ કરનારા લોકોને અને લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ અભિનંદન. આજે આઝાદીના અમૃત મહોત્સવના પાવન પર્વ પર દેશ તમામ સ્વતંત્રતા સેનાનીઓ અને રાષ્ટ્ર રક્ષામાં ખુદની આહૂતિ આપનારા અને જીવ હોમી દેનારા વીર-વીરાંગનાઓને દેશ નમન કરી રહ્યો છે.મોદીએ કહ્યું, આ આયોજનમાં ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરનારી યુવા પેઢી એથલેટ્સ અને આપણા ખેલાડીઓ હાજર છે. હું દેશવાસીઓને અને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેલા લોકોને કહેવા માગું છું કે આપણા ખેલાડીઓના સન્માનમાં થોડીવાર તાળીઓ વગાડીને તેમનું સન્માન કરે.

ભારતીય રમતોનું સન્માન, ભારતની યુવા પેઢીનું સન્માન, ભારતને ગૌરવ અપાવનારા યુવાનોનું સન્માન, કરોડો દેશવાસીઓ આજે તાળીઓના ગડગડાટ સાથે દેશના જવાનોનું, યુવા પેઢીનું સન્માન કરી રહ્યા છે. એથલેટ્સ પર ખાસ કરીને આપણે એ ગર્વ કરી શકીએ છીએ કે તેમણે દિલ જ જીત્યા નથી, તેમણે આવનારી પેઢીઓને ભારતની યુવા પેઢીને પ્રેરિત કરવાનું ખૂબ મોટું કામ કર્યુ છે.' મોદીએ કહ્યું, 'પ્રગતિની તરફ આગળ વધી રહેલા દેશની સામે કોરોના કાળ પડકાર તરીકે આવ્યો છે. ધૈર્યની સાથે આ લડાઈને લડવામાં પણ આવી છે. આપણી સામે અનેક પડકારો હતા. દરેક ક્ષેત્રમાં આપણે દેશવાસીઓએ અસાધારણ ગતિથી કામ કર્યુ છે. આપણા ઉદ્યમીઓની મહેનતનું પરિણામ છે કે ભારતને વેક્સિન માટે કોઈ અન્ય દેશ પર નિર્ભર રહેવું પડ્યું નથી. ક્ષણભર માટે વિચારો કે જો ભારત પાસે પોતાની વેક્સિન ન હોત તો શું થયું હોત. પોલિયોની વેક્સિન મેળવવામાં આપણા કેટલા વર્ષ વીતી ગયા. આટલા મોટા સંકટમાં જ્યારે સમગ્ર દુનિયામાં મહામારી હોય તો વેક્સિન કેવી રીતે મળી હોત. ભારતને મળી હોત કે નહીં, કે ક્યારે મળી હોત. પરંતુ આજે ગર્વથી કહી શકીએ છીએ કે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ આપણા દેશમાં ચાલી રહ્યો છે. 54 કરોડથી વધુ લોકો વેક્સિન ડોઝ લગાવી ચૂક્યા છે. કોવિન જેવી ડિજિટલ વ્યવસ્થા દુનિયાને આકર્ષિત કરી રહી છે. મહામારીના સમયે ભારતે જે રીતે 80 કરોડ દેશવાસીઓને મહિનાઓ સુધી સતત મફત અનાજ આપીને તેમના ચૂલા સળગતા રાખ્યા છે. આ દુનિયા માટે અચરજ અને ચર્ચાનો વિષય છે. અન્ય દેશોની તુલનામાં ઓછા લોકો સંક્રમિત થયા. દુનિયાના દેશોની જનસંખ્યાની તુલનામાં આપણે આપણા નાગરિકોને બચાવી શક્યા. આ પીઠ થાબડવાનો વિષય નથી. એમ કહેવું કે પડકાર નહોતો, આ આપણા વિકાસના માર્ગોને બંધ કરનારી વિચારધારા બની ગઈ હોત.'